Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

કોંગ્રેસના ચુંટાયેલા - હારેલા ઉમેદવારોને અપાઇ તાલીમ

વડોદરામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે પાર્ટીને વફાદાર રહેજો : વેંચાતા નહી : તમામ આગેવાનોને ૨૦૧૯ની ચુંટણીમાં કોંગ્રેસ અને લોકોની અપેક્ષાઓમાં ખરા ઉતરવા કરાઇ હાકલ અપાઇ

વડોદરા તા. ૨૯ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લા-તાલુકા પંચાયતના ચુંટાયેલા તેમજ ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારોનો ૨૭ મે રવિવારના રોજ અલકાપુરી વાણિજય ભવન ખાતે ટ્રેનિંગ કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. આ કેમ્‍પમાં ૨૧૨ ઉમેદવારોએ ભાગ લીધો હતો.

આ ટ્રેનિંગ કેમ્‍પમાં ઉમેદવારોને કોંગ્રેસ પાર્ટીના ઇતિહાસ અંગે પાઠ ભણાવવામાં આવ્‍યો હતો. જેમાં કોંગ્રેસ પાર્ટીના જવાહરલાલ નહેરુ, ઇન્‍દીરા ગાંધી અને સોનિયા ગાંધી સુધી તમામની પોલિટિકલ સફર અંગે પણ વિગતવાર જાણકારી અપાઈ હતી. કોંગ્રેસના ઉમેદવારોને જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન ઉપરાંત તેમને લોકશાહીના પિતા પણ કહેવાય છે, ઇન્‍દિરા ગાંધીએ દેશને સારો વહીવટ આપ્‍યો છે અને સોનિયા ગાંધીએ પોતાના પતિના અવસાન બાદ પણ વડાપ્રધાન પદને ત્‍યાગ કરી બલિદાન આપ્‍યું જેથી તેઓ ત્‍યાગ-બલિદાનની મૂર્તિ સમાન હોવાના પાઠ ભણાવાયા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પ્રભારી ભરત મકવાણા સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓની હાજરીમાં રવિવારે બપોરે ૨ વાગે વાણિજય ભવન ખાતે ટ્રેનિંગ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

કોંગ્રેસ કાર્યકર્તાઓના જણાવ્‍યા અનુસાર, ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી પંચાયત પરિષદ બનાવેલી છે. આ પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જીતેલા અને હારેલા ઉમેદવારોને ટ્રેનિંગ આપવામાં આવે છે.

આ ટ્રેનિગમાં કોંગ્રેસ પક્ષની શિસ્‍ત, પંચાયતની વહીવટી જાણકારી, પક્ષના ચિહ્નનું મહત્ત્વ, પક્ષના નિયમોને આધીન રહીને શું કામગીરી કરવી તેની વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીનો સમગ્ર ઇતિહાસ પણ સમજાવ્‍યો હતો. જેમાં દેશની અપેક્ષા કોંગ્રેસ પાર્ટી પાસે ખૂબ ઊંચી છે, જે અપેક્ષાને પરિપૂર્ણ કરવા કોંગ્રેસના કાર્યકર્તાઓની જવાબદારી હોવાના પણ ટ્રેનિંગમાં પાઠ ભણાવાયા હતા.

ટ્રેનિંગના એજન્‍ડાનો મુખ્‍ય ઉદ્દેશ સંગઠિત રહો એક રહો'હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્‍યું હતું.

(1:23 pm IST)