Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

કલોલના ભીમાસણ નજીક ઝાડ સાથે કાર ધડાકાભેર અથડાતા આધેડનું મોત:પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે કલોલના ભીમાસણ ગામ પાસે બપોરના સમયે કાર બાવળના ઝાડ સાથે અથડાતાં કારચાલક આધેડનું મોત નીપજયું હતું. જયારે તેમની પત્નિને ઈજાઓ પહોંચી હતી. દંપતિ રાણીપથી કાર લઈને બહુચરાજી દર્શન કરવા માટે જતું હોવાનું બહાર આવ્યું છે. હાલ તો અંગે સાંતેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.   

અકસ્માતની મળતી વિગતો પ્રમાણે અમદાવાદના રાણીપ ખાતે જી/૪૦૩, આશ્રય પ્લેટીનામાં રહેતાં નિલેશભાઈ દલપતભાઈ નાયક ગઈકાલે તેમની કાર નં.જીજે-૦૧-આરજે-૮૨૦૬ લઈને તેમની પત્નિ વર્ષાબેન બહુચરાજી દર્શન કરવા માટે સવારના સમયે ઘરેથી નીકળ્યા હતા. બપોરના સવા એક વાગ્યાના સુમારે તેમની કાર કલોલના ભીમાસણ ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન વળાંકમાં નિલેશભાઈએ સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર ફંગોળાઈને બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. જે અકસ્માતના કારણે નિલેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે તેમની પત્નિ વર્ષાબેનને પણ ઘાયલ થયા હતા. અંગે તેમના પુત્ર જૈમિનભાઈને વર્ષાબેને ફોન કરતાં તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા જો કે ગંભીર ઈજાઓના કારણે નિલેશભાઈનું સ્થળ ઉપર મોત નીપજયું હતું. જયારે ઘાયલ વર્ષાબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ અંગે સાંતેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

(4:43 pm IST)