Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

ગાંધીનગરમાં ૪ દિવસમાં ૧ હજાર કેસ : ગભરાટ

યુવા વર્ગને સૌથી વધુ અસર, છેલ્લા ૧૦ દિવસમાં ૬૦ થી ૭૦ લોકોના મોત નિપજ્યા : મહાપાલિકાના ૪૫થી વધુ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં : વેપારીઓનું સ્વૈચ્છીક લોકડાઉન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૯ : સમગ્ર દેશમાં દિવસેને દિવસે વધતા જતા કોરોનાના કેસો અને કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યામાં પણ સતત વધારો થતો જાય છે જે ખૂબ જ ચિંતાજનક વાત છે.

કોરોનાની શરૂઆત ૨૦૧૯થી થઇ ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ચાર દિવસમાં ૧૦૦૦ કરતા વધારે કેસો નોંધાયા છે. જેનાથી સમગ્ર ગાંધીનગર શહેર ગભરાટભર્યા વાતાવરણમાં શ્વાસ લઇ રહ્યું છે.

આ કોરોના સંક્રમણમાં યુવા વર્ગને વધુ અસર થતી હોવાના આરોગ્ય તંત્રમાંથી મળતા અહેવાલો છે. છેલ્લા ૧૦ દિવસથી ગાંધીનગર સ્મશાનગૃહમાં એવરેજ દરરોજના ૬૦ થી ૭૦ મૃતદેહો આવી રહ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના ૪૫થી વધુ કર્મચારી - અધિકારીઓ ઝપેટમાં આવ્યા છે. પરિણામે મહાનગરપાલિકાએ આગામી ૫મી મે સુધી ઇમરજન્સી કામ સિવાયની તમામ વહીવટી બાબતો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા સવારથી રાત્રી સુધી ઘરે જઇ તપાસણી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગરમાં વેપારીઓ દ્વારા દરરોજ બપોરે ૨ વાગ્યાથી દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય કર્યો છે.

બીજી તરફ રાજ્યના પાટનગર ખાતે આવેલ સરકારી કચેરીઓમાં પણ પુરતી હાજરી જોવા નથી મળતી. ઉદ્યોગ ભવન અને અન્ય કચેરીઓમાં રોટેશન પધ્ધતિ ચાલુ કરવાની ફરજ તંત્રને પડી છે. દિવસ દરમિયાન શહેરના રસ્તાઓ પણ સૂમસામ જોવા મળી રહ્યા છે.

(3:17 pm IST)