Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

૨૦ થી ૨૫ હજારમાં વેચાયેલા રેમડેસિવિર ઇન્જેકશનના ષડયંત્રના તાર ઊંડા : શમશેર સિંઘ

ન્યુમોનિયાની દવા મિશ્રિત ઇન્જેકશનો રેમડેસિવિર નામે ગોધરા પંથકમાં વેચાણ થતુ'તું : ગુજરાતના વિવિધ શહેરોમાં ૨૦થી વધુ ઇન્જેકશન કાળાબજારનું નેટવર્ક ઝડપાયું છે : 'અકિલા' સમક્ષ મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા જાણવા જેવી બાબતો વર્ણવે છે : વડોદરા અને આણંદથી પકડાયેલ ૯૦ ઇન્જેકશન ગરીબ દર્દીઓને કોર્ટ પરવાનગીથી સરકારી હોસ્પિટલને આપી દેવાશે : બરોડાના સીપી 'અકિલા' સાથેની વાતચીતમાં ગેરકાયદે વેચાણ અંગે ચોકાવનારી વિગતો વર્ણવે છે : સાવધાન નકલી ઇન્જેકશન બની રહ્યા છે : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડા પ્રેમવીર સિંહના માર્ગદર્શનમાં એસીપી ડી.પી.ચુડાસમા ટીમ દ્વારા પર્દાફાશ

રાજકોટ તા. ૨૯ : કોરોના મહામારીનો ભોગ બની ગંભીર હાલતમાં રહેલ દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેકશન રામબાણ ઔષધી હોવાની વ્યાપક ધારણ ધ્યાને લઇ અને જેની તીવ્ર અછત છે તેવા આ ઇન્જેકશન કે જેના ભાવ અંદાજે ૫૫૦૦ થી ૫૬૦૦ છે તેના ૨૦થી ૨૫ હજાર જેવી મોટી રકમ દર્દીઓની લાચારીનો લાભ લેતા ૫ શખ્સોની પૂછપરછમાં ધડાકા જેવી વિગતો બહાર આવી હોવાનું સૂત્રો જણાવે છે.

ઉકત બાબતે વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંઘ કે જેના સીધા માર્ગદર્શન હેઠળ ૯૦ જેટલા ઇન્જેકશન પકડાયા છે તેવોએ જણાવેલ કે આ બાબતે મોટું ષડયંત્ર બહાર આવવાની બાબતે સમર્થન સાથે પોલીસ ટીમ દ્વારા ચકાસણી ચાલી રહ્યાની બાબતને સમર્થન આપ્યું છે.

સૂત્રોમાંથી મળતા અહેવાલ મુજબ તબીબી દુનિયા સાથે સંકળાયેલ કેટલાક શખ્સોની ભૂમિકા ખૂલે તો નવાઇ નહી, દરમિયાન જે ૯૦ ઇન્જેકશન પકડાયા છે, તેની ખાત્રીકરવા સાથે કોર્ટની મંજૂરીથી સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓને ઇન્જેકશન આપી દેવાનો માનવીય અભિગમ પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા અપનાવાયો છે.

દરમિયાન સૂત્રોમાંથી પ્રાપ્ત થતાં અહેવાલો મુજબ વડોદરાની એક જાણીતી હોસ્પિલના મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલ વિકાસ પટેલ પાસેથી ૪૫ ઈન્જેકશન કબ્જે કરેલ, આ ઈન્જેકશન તે આણંદના મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ જતીન પટેલ પાસેથી લાવતા હોવાનું ખુલતા તેમની અટક કરી ૪૫ ઈન્જેકશન મળી કુલ ૯૦ ઈન્જેકશન સાથે ૫ શખસો સકંજામાં આવ્યા છે.

દરમિયાન રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ સમગ્ર રાજયમાં આવા ઇન્જેકશન કાળાબજાર કરતા તત્વો સામે તૂટી પાડવા આપેલ આદેશ સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સાયબાર ક્રાઈમ દ્વારા દરોડા ચાલી રહ્યા છે.                             

દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ તપાસ દરમિયાન નકલી ઈન્જેકશન પણ બની રહ્યાનું બહાર આવ્યું છે, સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ પાવડર ફોર્મમાં આવતા રેમડેસિવિરમા ઘાલમેલ કરી પણ ઈન્જેકશન વેચાઇ રહ્યાનું ખૂલવા પામેલ છે, તબીબ પ્રીસ્ક્રીપ્શન વગર વેચાણ સાથે અન્ય કેટલીક બાબતો પરથી પરદો ઉઠ્યો છે.

પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા  'અકિલા' સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે ગોધરા પંથકમાં તો ન્યુમોનિયા દવાનું મિશ્રણ કરી તેને રેમડેસિવિર ઈન્જેકશન નામે વેચાણ થતું હોવા સાથે આખા ગુજરાતમાં છેલ્લા ૧૪થી ૧૫ દિવસ થયા લોકોના જાન માલ સાથે ચેડાં કરતા તત્વો પર તુટી પાડવા આપેલ આદેશ સંદર્ભે ૨૦થી વધુ દરોડા પડ્યા હોવાની બાબતને સમર્થન આપવા સાથે આવા તત્વોને કોઈ પણ ભોગે ઝડપી લેવાના કાર્યોને પ્રાથમિકતા આપવા આદેશ આપ્યા છે.

ઉકત બાબતને 'અકિલા' સાથેની વાતચીતમાં ક્રાઇમ બ્રાન્ચ વડા પ્રેમવીરસિંહ તથા એસીપી શ્રી ડી.પી.ચુડાસમા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. પ્રેમવિરસિંહ દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં આવા ગરીબ અને લાચાર લોકોની લાચારીનો લાભ ઉઠાવતા તત્વો સામે શખતાઇપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી આપી છે.

(3:16 pm IST)