Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

૧ મેથી ૧૮ પ્લસને રસીકરણ શરૂ થઈ શકશે?

ગુજરાતને નથી મળ્યો રસીનો જરૂરી જથ્થો

૨૮ એપ્રિલથી ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે વેકસીનેશનનું રજિસ્ટ્રેશન શરૂ થયું છેઃ પરંતુ પહેલા દિવસે ખૂબ ઓછી સંખ્યામાં લોકો પોતાનું નામ નોંધાવી શકયા છે : રાજય સરકારે ૧.૫૦ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે પરંતુ હજી જથ્થો મળ્યો નથી. : હાલની તારીખમાં રાજય સરકાર પાસે કોરોનાની રસીના ૭.૯ લાખ ડોઝ છે : અંદાજ મુજબ ૧૮થી ૪૫ વયજૂથ માટે ૬.૫૦ કરોડ ડોઝની જરૂર પડશે

ગાંધીનગર, તા.૨૯: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલમાં જ જાહેરાત કરી હતી કે, રાજયમાં ૧ મેથી ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેકસીનેશન ડ્રાઈવ શરૂ થશે. જો કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ ચિંતામાં છે કારણકે રાજયને હજી સુધી વેકસીનનો જરૂરી જથ્થો મળ્યો નથી. બુધવારથી ૧૮થી વધુ વયના લોકો માટે કોરોનાની રસી લેવાનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે.

સીએમ રૂપાણીએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે, રાજય સરકાર દ્વારા ૧.૫૦ કરોડ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, સરકારને હજી સુધી રસીનો જથ્થો મળવાનો બાકી છે.

વેકસીનેશન ડ્રાઈવમાં મહત્વનો ભાગ ભજવી રહેલા સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, રસી માટે સૌથી પહેલા ઓર્ડર આપનારા રાજયોમાં આપણો પણ સમાવેશ થાય છે, તેમ છતાં હજી સુધી આપણને ઉત્પાદકો અને કેંદ્ર સરકાર તરફથી પુરવઠો મળ્યો નથી. અમને ડર છે કે, શરૂઆતના અમુક દિવસો સુધી મોટાપાયે લોકોને રસી નહીં આપી શકાય. દરમિયાન, સરકારે રસીકરણના કેંદ્રો વધારવાનું નક્કી કર્યું છે જેથી વધેલી માગને પહોંચી શકાય.

વિશ્વસનીય સૂત્રોએ કહ્યું, હાલની તારીખમાં રાજય સરકાર પાસે કોરોનાની રસીના ૭.૯ લાખ ડોઝ છે. જે કેંદ્ર તરફથી ૪૫દ્મક વધુ વયના લોકોના રસીકરણ માટે પ્રાપ્ત થયા હતા. હજી આ વયજૂથ માટેનો જ નવો સ્ટોક આવ્યો નથી. ગુજરાત સરકારના અંદાજ મુજબ ૧૮ થી ૪૫ના વયજૂથ માટે ૬.૫૦ કરોડ ડોઝ (જે લોકો લાયકાત ધરાવતા હોય તેમના માટે)ની જરૂર પડશે.

૪૫ વર્ષથી ઉપરના લોકો માટે પ્રતિ દિવસ પાંચ લાખ ડોઝ આપવાનો ટાર્ગેટ કેંદ્ર સરકારે નક્કી કર્યો છે. જો કે, ગુજરાત સરકાર હજી સુધી એક પણ દિવસે આ લક્ષ્ય સાધી શકી નથી. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ ૪.૯૦ લાખ લોકોને રસી આપવામાં આવી છે. વેકસીનના ડોઝની અછત તેમજ કોરોનાને કાબૂમાં લેવાની ડ્યૂટીમાં મેડિકલ સ્ટાફ વ્યસ્ત હોવાથી છેલ્લા એક મહિનામાં દૈનિક ૫૦,૦૦૦થી ૧ લાખની વચ્ચે જ ડોઝ આપી શકાયા છે.

ગુજરાતમાંથી હજારો લોકો કાગડોળે ૨૮ એપ્રિલની રાહ જોઈ રહ્યા હતા, જેથી તેઓ કોવિડ વેકસીન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે. જો કે, વારંવાર પ્રયત્ન છતાં કેટલાય લોકોને નિરાશા સાંપડી કારણકે તેઓ રજિસ્ટ્રેશન ના કરાવી શકયા. રાજયના આરોગ્ય વિભાગના સિનિયર અધિકારીઓએ પહેલા દિવસના રજિસ્ટ્રેશનના આંકડા બહાર પાડ્યા નથી પરંતુ ખૂબ ઓછા લોકો પોતાનું નામ રજિસ્ટર કરાવી શકયા છે. ઙ્કવેકસીન ડિલિવરીનું શિડ્યુલ મળી જશે પછી રજિસ્ટ્રેશન શરૂ થશે. આ માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે. અમને આશા છે કે અમે શિડ્યુલ પ્રમાણે, જલદી જ રસીકરણ કરી શકીશું, તેમ સિનિયર અધિકારીએ જણાવ્યું.

નવી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આવતા દર્દીઓને જ દાખલ કરવાનો નિયમ AMC બાદ રાજય સરકારે પણ પાછો ખેંચ્યો છે. દર્દીઓના સગાંઓએ હોસ્પિટલની બહારથી સવારે ૮ વાગ્યાથી ટોકન લેવાનું રહેશે. કોવિડ અને અન્ય રિપોર્ટ સબમિટ કર્યા બાદ ટોકન મળશે. જે દર્દીઓનું ઓકિસજન લેવલ ૯૨થી ઓછું હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાલી પડેલા બેડ માટે જ ટોકન અપાશે.

(10:50 am IST)