Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

એમએસમાં એસિડ એટેકની ધમકી આપનારાને સજા થઈ

પોલીસે ઝુબેર પઠાણને મુરઘો બનાવ્યો : પઠાણ ગેંગની ગુંડાગર્દી અને બિભત્સ માનસિકતાને લઇને નાગરિકોમાં આક્રોશ અને ફિટકાર : પોલીસની ઉંડી તપાસ

અમદાવાદ,તા. ૨૯ : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વીપીને એસીડ એટેકની ધમકી આપનાર ઝુબેર પઠાણને પોલીસે મુરઘો બનાવ્યો હતો. જેથી ઝુબેર રડી પડ્યો હતો અને કહ્યું હતું કે, મારૃં નામ ઝુબેર ખાન છે અને હું એમ.એસ.યુનિવર્સિટીમાં ગુંડાગર્દી કરૂ છું. હવે હું કોઇ પણ છોકરી તરફ જોઇશ નહીં. અને છેડતી પણ નહીં કરૂ અને અભ્યાસ કરીશ. અને હું આજે મુરઘો બની ગયો છું. કુકડુ કુક કુકડુ કુક..તેમ જણાવ્યું હતું. પઠાણ ગેંગની ગુંડાગર્દી અને બિભત્સ માનસિકતાને લઇ હવે માત્ર વડોદરા જ નહી પરંતુ રાજયભરના નાગરિકોમાં ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓમાં ઉગ્ર આક્રોશ અને ફિટકારની લાગણી વરસી રહી છે. પોલીસે પણ હવે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ આરંભી પઠાણ ગેંગના કારનામાઓ બહાર લાવવાની તજવીજ હાથ ધરી છે. બીજીબાજુ, એમ.એસ.યુનિવર્સિટીના રજીસ્ટારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી તપાસ સમિતિનો રીપોર્ટ નહીં આવે ત્યાં સુધી ઝુબેર પઠાણને કેમ્પસમાં પર પ્રવેશવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે અને જે પણ વિદ્યાર્થીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે, તે તમામના પરિણામો જાહેર કરવામાં નહીં આવે. રિપોર્ટ જાહેર નહીં થાય ત્યાં સુધી અન્ય જગ્યાએ પ્રવેશ પણ નહીં આપવામાં આવે. એસીડ એટેકની ધમકી આપનાર ઝુબેર પઠાણ સહિત સાત વિદ્યાર્થીઓની સયાજીગંજ પોલીસે શનિવારે ગુન્હો નોંધીને ધરપકડ કરી હતી. જેમાં પઠાણ ગેંગના તમામ સભ્યો જામીન પર છૂટી ગયા હતા. જો કે, ગઇકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જી.સોલંકીએ જણાવ્યું હતું કે, પઠાણ ગેંગના તમામ સભ્યોની કલમ ૧૫૧ હેઠળ અટકાયત કરવામાં આવી છે.એસીડ એટેકની ધમકી સંદર્ભ વીપી સલોની મિશ્રાએ રાજ્યના ગૃહ મંત્રીને ફોન કરીને ફરીયાદ કરી હતી. ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હોમ મીનીસ્ટ્રીમાં એફઆઇઆરની કોપી મોકલવી આપવા જણાવ્યું હતું અને કોઇનાથી ડરવાની જરૂર નથી તેવું પણ કહ્યું હતું. આ ઉપરાંત વીપીએ સીએમઓ,દિલ્હી મહિલા આયોગ અને યુનિવર્સિટી ગ્રીવન્સ સેલને પણ ઇ-મેઇલ થી ફરીયાદ કરી હતી. જેને લઇ પઠાણ ગેંગના કાળા કારનામાઓનો પર્દાફાશ થયો હતો.

ખુલ્લેઆમ ગુંડાગર્દી અને યુવતીઓ-મહિલાઓ સાથે બિભત્સતા અને હલકી માનસિકતા રાખનારા પઠાણ ગેંગના મુખ્ય સૂત્રધાર ઝુબેર પઠાણ સહિતના સભ્યો વિરૂધ્ધ હવે માત્ર વડોદરા જ નહી પરંતુ રાજયભરના જાગૃત નાગરિકોમાં ખાસ કરીને મહિલાઓમાં ઉગ્ર આક્રોશ અને ફિટકારની લાગણી વરસી રહી છે અને આવા નરાધમ તત્વોને આકરામાં આકરી સજા ફટકારવા માંગણી કરી છે.

પઠાણ ગેંગની સ્થિતિ...

*    ઝુબેર પઠાણ, અભ્યાસ પૂર્ણ થઇ ગયો છે

*    ફઝલ પઠાણ, એમએ પાર્ટ ૨,આર્ટસ ફેકલ્ટી

*    અકિલ પઠાણ, ઇકોનોમીકસ, ત્રીજું વર્ષ, આર્ટસ ફેકલ્ટી

*    અતિયુલ પઠાણ, ઇકોનોમીકસ, બીજુ વર્ષ, આર્ટસ ફેકલ્ટી

*    સાજીદખાન પઠાણ, એટીકેટી, આર્ટસ

*    મોહસીન પઠાણ, પીજી ડિપ્લોમા, કોર્મસ ફેકલ્ટી

*    રૂસ્તમખાન પઠાણ, ઇકોનોમીકસ, બીજી વર્ષ, આર્ટસ ફેકલ્ટી

*    કલીમખાન પઠાણ, ત્રીજુ વર્ષ, આર્ટસ ફેકલ્ટી

(9:20 pm IST)