Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

વિસાવદરમાં તુવેર ભેળસેળના કૌભાંડથી જોરદાર ખળભળાટ

ગ્રેડરોએ તુવેરના સેમ્પલો લઇ ઉંડી ચકાસણી : વિસાવદર યાર્ડની તુવેરની કુલ ૨૪ હજાર બોરીની તપાસ કરાશે : હર્ષદ રિબડિયાએ ખેડૂતો માટે ભારે લડત આપી

અમદાવાદ,તા. ૨૮ :  કેશોદના તુવેર કૌભાંડ બાદ હવે વિસાવદર ખાતે પણ તુવેરમાં ભેળસેળનું કૌભાંડ સામે આવતાં ભારે રાજયભરમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.  કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ સમગ્ર કૌભાંડના પર્દાફાશ માટે ખેડૂતોને સાથે રાખી ભારે જહેમત ઉઠાવી હતી અને સતત દોડતા રહ્યા હતા. રિબડિયાએ મીડિયાને સાથે રાખીને તુવેરમાં ભેળસેળની વાતનો પર્દાફાશ કરતાં સરકારી તંત્ર દોડતુ થઇ ગયું હતું. આખરે સત્તાવાળાઓ દ્વારા રિબડિયાની હાજરીમાં જ તુવેરના સેમ્પલની કાર્વયાહી હાથ ધરાઇ હતી. ગ્રેડરો દ્વારા તુવેરના ૨૦૦થી વધુ સેમ્પલ લેવાયા હતા અને હવે સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ સરકારમાં રજૂ કરવામાં આવશે. વિસાવદરમાં તુવેરની ૨૪ હજાર બોરીઓની તપાસ કરવી પડે તેવી સ્થિતિ બની છે. જૂનાગઢનાવિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ  વિસાવદર યાર્ડમાં ખરીદાયેલી તુવેરમાં પણ ભેળસેળ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટના બાદ આજે સરકારી તંત્ર અને અધિકારીઓ દોડતા થયા હતા. સરકારના સત્તાવાળાઓ દ્વારા તુવેરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તપાસ કરતા તુવેરનો નબળો જથ્થો મળી આવ્યો હતો. અમુક તુવેરનાં કટ્ટામાં હલકી તુવેર અને ફોફા જેવી તુવેર જોવા મળી હતી. જેથી રીબડીયાએ કહ્યું કે કેશોદ જેવું જ કૌભાંડ વિસાવદરમાંથી બહાર આવશે. તેમણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ૧૬ હજાર જેટલી હલકી ગુણવત્તાવાળી તુવેરની બોરીઓ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો એટલે બારોબાર સગેવગે કરી દેવાઇ છે. રિબડિયાએ સમગ્ર મામલે એકદમ ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરી હતી અને આવા કૌભાંડીઓને કુદરત પણ માફ નહી કરે તેવો આક્રોશ ઠાલવ્યો હતો. બીજીબાજુ, તુવેરની તપાસ કરવા માટે ગ્રેડરોની જરૂર પડતી હોઇ વિસાવદરમાં આજે ગ્રેડરો મોડે સુધી ન આવતા તુવેરની તપાસ ટલ્લે ચડી હતી. જો કે બાદમાં ગ્રેડર આવ્યા બાદ ટેગ વગરની તુવેર તપાસવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, યાર્ડમાં રહેલી તુવરમાંથી કેટલીક બોરીઓમાંથી રજિસ્ટ્રેશન નંબર વગરની કેટલીક બોરીઓમાંથી હલકી ગુણવત્તાનો માલ મળી આવ્યો હતો. નિગત તપાસ કરે તે પહેલા હર્ષદ રીબડીયાએ મીડિયાને સાથે રાખી ચેકીંગ કર્યું હતું. જેમાં માત્ર ૧૦ ટકા જ તુવરે સારી ગુણવત્તાની જોવા મળી હતી.હર્ષિદ રીબડીયાએ જણાવ્યંુ હતું કે, કેશોદ જેવુ જ વિસાવદરમાં તુવેર કૌભાંડ આચરાયુ છે. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય રીબડીયાએ તપાસને લઈને ધરણાં કર્યા હતા. રીબડીયાના ઉપવાસના પગલે સરકારે વિસાવદર યાર્ડમાં રખાયેલી તુવેરની તપાસના આદેશ આપ્યા હતાં. સરકારના આદેશ મુજબ ગુજરાત પુરવઠા નિગમના અધિકારી, પોલીસ અધિકારી અને કલેક્ટર તેમજ એમએલએ રીબડીયાની હાજરીમાં યાર્ડમાં રખાયેલી તુવેરના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી હતી. જો કે, એક પછી એક તુવેર કૌભાંડને પગલે રાજયના ખેડૂતઆલમમાં ઉગ્ર આક્રોશની લાગણી ફાટી નીકળી છે.

(7:47 pm IST)