Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

રાજયમાં ત્રણ મહિનામાં વધુ ૧૨૭ ફરતાં પશુ દવાખાના કાર્યરત કરાશેઃ રાઘવજીભાઇ પટેલ

કેન્‍દ્રીય સહાયથી ફરતાં પશુ દવાખાના ગુજરાતમાં કાર્યરત કરવા માટે પશુપાલન મંત્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં ગાંધીનગર ખાતે એમ.ઓ.યુ. કરાયાઃ આગામી પાંચ વર્ષમાં વધુ ૧,૦૦૦ ફરતા પશુ દવાખાના દ્વારા ૧૦,૦૦૦થી વધુ ગામોને આવરી લેવાની નેમઃ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં નવા ૪૬૦ મોબાઇલ પશુ દવાખાના માટે રૂા.૮૧ કરોડની જોગવાઇ

રાજકોટ, તા.૨૯: વડાપ્રધાન શ્રી  નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વ હેઠળની કેન્‍દ્ર સરકાર દ્વારા પણ દેશમાં ફરતાં પશુ દવાખાનાની સેવાઓનો વ્‍યાપ વધારવા માટે, નવીન યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્‍યમાં બે તબક્કામાં કુલ ૨૪૮ ફરતાં પશુ દવાખાનાં (Mobile Vetereinary Unit) કાર્યરત કરવાનું આયોજન છે. જે પૈકી પ્રથમ તબકામાં ૧૨૭ ફરતાં પશુ દવાખાના (Mobile Vetereinary Unit) માટે કેપિટલ ખર્ચ પેટે કુલ રૂ. ૮. ૮૯ કરોડની ૧૦૦% કેન્‍દ્રની સહાય ઉપલબ્‍ધ થયેલ છે. આ ૧૨૭ ફરતાં પશુ દવાખાનાઓ માટે ઓપરેશનલ ખર્ચ પેટે કેન્‍દ્ર સરકાર ૬૦% સહાય કરશે તેમજ ૪૦% ખર્ચ રાજ્‍ય સરકાર ભોગવશે. આ ૧૨૭ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ આગામી ત્રણ માસમાં પી.પી.પી. ધોરણે કાર્યરત કરવા રાજ્‍ય સરકારે નિર્ણય કર્યો છે, તેમ પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્‍યું હતું.

કેન્‍દ્રીય સહાયથી ૧૨૭ ફરતાં પશુ દવાખાના ગુજરાતમાં કાર્યરત કરવા માટે કળષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલની  પ્રેરક ઉપસ્‍થિતિમાં આજે ગાંધીનગર ખાતે પશુપાલન નિયામક અને જીવીકે ઇએમઆરઆઈ ગ્રીન હેલ્‍થ સર્વિસિસ વચ્‍ચે એમ.ઓ.યુ.કરવામાં આવ્‍યા હતા.

મંત્રીશ્રી પટેલે કહ્યું હતું કે મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વવાળી સરકારમાં કોઈપણ પશુપાલકનું પશુ સારવાર વિહોણું ન રહે તેવા ઉમદા આશયથી અમલમાં મુકાયેલ મુખ્‍યમંત્રી નિઃશુલ્‍ક પશુ સારવાર યોજનૉ અંતર્ગત રાજ્‍યમાં ૧૮૩૨ પશુ સારવાર સંસ્‍થાઓ ખાતે વિનામૂલ્‍યે પશુઓને સારવાર આપવા માટે કુલ રૂ. ૨૮ કરોડની જોગવાઈ વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં કરવામાં આવી છે. દેશમાં પશુ સારવાર માટે કાર્યક્ષમ નવીન પહેલ તરીકે ગુજરાતમાં શરૂ કરાયેલ ‘દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજના હેઠળ ૪૬૦ મોબાઈલ પશુ દવાખાનાથી રાજ્‍યના ૫,૩૦૦ થી વધુ ગામોમાં રૂટ અને ઓન કોલ પશુ સારવાર સેવાઓ પુરી પાડવા રૂ. ૮૧ કરોડની જોગવાઈ વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં રાજ્‍યના તમામ ગામોમાં ઘરે બેઠા નિઃશુલ્‍ક પશુ સારવાર ઉપલબ્‍ધ કરાવવાનો રાજ્‍ય સરકારે નિર્ધાર કર્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે રાજ્‍યમાં ફરતાં પશુ દવાખાનાની સેવાનો વિસ્‍તાર કરી આગામી પાંચ વર્ષમાં વધુ ૧,૦૦૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવાની રાજ્‍ય સરકારની નેમ છે, જેમાં બીજા ૧૦,૦૦૦થી વધુ ગામોને આવરી લેવામાં આવશે. જેમાં પ્રથમ વર્ષે ૨૫૦ ફરતા પશુ દવાખાના માટે કુલ રૂ. ૩૫.૨૫ કરોડ જેટલી માતબર રકમ વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં ફાળવવામાં આવી છે.

આ કાર્યક્રમમાં રાજ્‍યના પશુપાલન સચિવ શ્રી કૌશિક ભીમજીયાણી તેમજ પશુપાલન નિયામક ડો.ફાલ્‍ગુનીબેન ઠાકર સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:07 pm IST)