Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

સુરત જિલ્લાના માંગરોળના સાવા પાટિયા પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: પુરપાટ ઝડપે આવેલો આઈસર ટેમ્પો ટ્રક સાથે અથડાયો : ટેમ્પા ચાલક સહિત 2 લોકોના મોત

ગમખ્વાર અકસ્માતમાં ધવલભાઈ દુધાતને ટેમ્પા ડ્રાઈવરે અડફેટમાં લેતા તેઓને ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત થયું હતું. જયારે ટેમ્પો ડ્રાઈવર ટેમ્પોની કેબિનમાં દબાઈ જતાં તેનું પણ મોત નીપજ્યું હતું. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો

સુરત : સુરત જિલ્લાના માંગરોળના સાવા પાટિયા પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બગડી ગયેલા ટ્રકની રિપેરીંગની કામગીરી થઇ રહી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવેલો આઈસર ટેમ્પો ટ્રક સાથે અથડાયો હતો. જેમાં ટેમ્પા ચાલક સહિત 2 લોકોના મોત નીપજ્યા હતા

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ધામડોદ ખાતે રહેતા રામઈકબાલ રામઆશિષ ચૌહણ (ઉ.38) જેન્તી એમ દૂધાત કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. ગત રોજ સાંજના સમયે તેઓ હાઈવા ટ્રકમાં છોટા ઉદેપુરથી કડોદરા ખાતે રેતી ભરીને ખાલી કરવા માટે નીકળ્યા હતા અને રાતના આશરે પોણા અગિયાર વાગ્યાના અરસામાં સાવા ગામની હદમાં નેશનલ હાઈવે નંબર 48 અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ પર સાવા બ્રિજ પાસે તેઓની ટ્રક બગડી ગઈ હતી. આથી તેઓએ સુપરવાઈઝરને ફોન કરતા તેમની સાથે ધામડોદ ગામની હદમાં આવેલા રેતીના પ્લાન્ટ ઉપરથી ધવલભાઈ ધનજીભાઈ દૂધાત તથા મિતેશભાઈ તાનસિંગભાઈ ડામોર આવ્યા હતા અને તેઓની સાથે મળીને ટ્રકની પાછળ રોડ ઉપર રીફ્લેકટર અને ટાયર તથા પત્થરોની આડાશ મૂકી ટ્રકનું રિપેરીંગ કામ કરતા હતા, જ્યારે ત્યાં રોડ ઉપર ટ્રાફિક માટે થોડા દૂર અંતરે ધવલભાઈ ધનજીભાઈ દુધાત ઉભા હતા.

આ સમયે રાતના 1 વાગ્યાના સુમારે પાછળથી એક ટેમ્પો પુરપાટ ઝડપે આવ્યો હતો અને ટ્રકની પાછળ ધડાકાભેર અથડાયો હતો. આ ઘટનાને લઈને ત્યાં નાસભાગ મચી હતી

આ ગમખ્વાર અકસ્માતમાં ધવલભાઈ દુધાતને ટેમ્પા ડ્રાઈવરે અડફેટમાં લેતા તેઓને ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત થયું હતું. જયારે ટેમ્પો ડ્રાઈવર ટેમ્પોની કેબિનમાં દબાઈ જતાં તેનું પણ મોત નીપજ્યું હતું. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં ટેમ્પા ડ્રાઈવરનું નામ મહેન્દ્રકુમાર લાલજી ગૌતમ [રહે, ઉદેઈશાહપુર, પ્રતાપગઢ] હોવાનું જાણવા મળ્યું હતું.

ટ્રક અને ટેમ્પા વચ્ચે થયેલા અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકશાન થયું હતું.ટેમ્પા ચાલકનો મૃતદેહ કેબીનમાં ફસાઈ ગયો હતો જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. આ મામલે સુરત જિલ્લાની કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(1:09 am IST)