Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સુરત એપીએમસી દ્વારા ભીડ ઘટાડવા વેપારી,ખેડૂત અને ગ્રાહકોને માર્કેટમાં જવાનો સમય અલગ અલગ નક્કી કર્યો

માર્કેટમાં આવતા તમામે માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે.

સુરત : લોકડાઉનને કારણે જીવનજરૂરીયાતની ચીજ-વસ્તુઓની ખરીદી કરવા માટે એપીએમસીમાં જતા વેપારીઓ, ખેડુતો અને ગ્રાહકો પૈકી અમુક લોકો બેદરકારી દાખવી માસ્ક પહેરતા ન હોય તેમજ એક બીજાથી અંતર કેળવતા ન હોય પોલીસને આ બાબત ધ્યાને આવતા શુક્રવારે અમુક સમય માટે એપીએમસીને બંધ કરાવી હતી. તેથી બેદરકારીનું પુનરાવર્તન નહીં થાય તે માટે એપીએમસી દ્વારા વેપારીઓ, ખેડૂતો અને ગ્રાહકો માટે માર્કેટમાં જવાનો સમય અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે.

એપીએમસી ચેરમેન રમણ જાની અને વાઈસ ચેરમેન સંદીપ દેસાઈના જણાવ્યા મુજબ કોરોનાનું સંક્રમણ નહીં થાય તે માટે લોકોએ પણ પોતાની રીતે કાળજી રાખવાની જરૂર છે. જોકે, શુક્રવારે બનેલી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તે માટે અમે વેપારીઓ, ખેડૂતો અને ગ્રાહકો માટે અલગ-અલગ સમય નક્કી કર્યો છે. જેમાં સોમવારથી એપીએમસીમાં શાકભાજીનો સ્ટોક પૂરો પાડવા આવતા ખેડૂતોએ બપોરે ૩ થી ૬માં પોતાનો સ્ટોક મજૂરો પાસેથી ઉતારાવી લેવાનો રહેશે.
જ્યારે જનરલ કમિશન એજન્ટ અને વેપારીઓએ ખેડૂતોને રાત્રે 8 થી સવારે ૪ દરમિયાન માલ વેચવાનો રહેશે. ગ્રાહકોએ શાકભાજી અને ફળ માટે એપીએમસીની વેબસાઈટ www.surat.apmc.org.in નો ઉપયોગ કરવાનો રહેશે, વધુમાં માર્કેટમાં આવતા તમામે માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, એપીએમસી માર્કેટમાં વધારે પડતી ભીડ થવાને કારણે આરોગ્ચ વિભાગ દ્વારા પગલા લેવાની સુચના આપી હતી. જેથી એપીએમસી દ્વારા જે પણ નવિ ગાઇડલાઇનનો બનાવવામાં આવી છે તેનો અમલ સોમવારથી કરવાની સુચના આપી દેવામાં આવી છે. તેમજ ગ્રાહકોને માર્કેટમાં ન જવાની પણ સુચના આપવામાં આવી છે તેઓ ઓનલાઇન પોતાના ઘરે પણ શાકભાજી સીધું મંગાવી શકશે.

(10:49 pm IST)