Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

હવે અમદાવાદની મહિલાએ કોરોનાને આપી ધોબીપછાડ

ગુજરાતમાં પણ પાંચથી વધુ લોકો રિકવર થયા : અમદાવાદમાં એક મહિલાને સ્વસ્થ થયા બાદ રજા મળી

અમદાવાદ, તા.૨૯  : કોરોના વાયરસ સામે તંત્ર સંપૂર્ણપણે સાબદુ થયેલું છે. અમદાવાદની સાથે સાથે જુદા જુદા શહેરમાં પણ સારવાર આપવામાં આવ્યા બાદ કોરોના બાદ લોકો સ્વસ્થ થયા છે. એકબાજુ સુરતની ૨૧ વર્ષની યુવતીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ નેગેટિવ રિપોર્ટ થતાં તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. કુલ પાંચ લોકો રિકવર થઇ ચુક્યા છે. જે પૈકી અમદાવાદ અને સુરતમાંથી પણ રિકવર થયેલા દર્દીઓ છે. રાજ્યમાં કોરોના વાયરસના ૫૮ લોકો સંક્રમિત છે અને અત્યાર સુધીમાં કુલ ૫ાંચ લોકોના મોત નીપજ્યા છે. આ પરિસ્થિતિમાં લોકો કોરોના વાયરસથી ડરી રહ્યા છે અને ભયભીત છે. જો કે, ફફડાટના આ માહોલમાં એક અત્યંત હકારાત્મક ઘટના બની છે. ગુજરાતમાં પહેલીવાર કોરોના વાયરસ પોઝિટિવ દર્દી સાજો થયો છે. આ દર્દી અમદાવાદની ૩૪ વર્ષની મહિલા છે અને તેને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ મહિલાને ૧૮ માર્ચે દાખલ કરવામાં આવી હતી.

          ૩૪ વર્ષીય આ મહિલાના છેલ્લા ૨૪ કલાકમાં બંને રિપોર્ટ નેગેટિવ આવતાં આખરે તેને રજા આપવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે દર્દીને ડિસ્ચાર્જ કરવાનો લેટર ટ્વીટર પર શેર કરીને સત્તાવાર જાહેરાત કરી હતી. આ મહિલાને તા.૧૮ માર્ચે શહેરની એસવીપી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી. ગુજરાતમાં આજે ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫૮ થઈ છે. અમદાવાદમાં કોરોનાના ત્રણ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૧ થઈ છે.

તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં લગભગ ૫ાંચ કરોડ લોકો સુધી પહોંચી આરોગ્ય વિભાગે કોરોનાનો સર્વે કર્યો છે અને રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોન્ટાઈલનો ભંગ કરનાર ૨૨૬ લોકો સામે પોલીસ કાર્યવાહી કરાઈ છે ત્યારે શહેરની એસવીપી હોસ્પિટલમાંથી ૩૪ વર્ષીય મહિલા કોરોના સકંજામાંથી મુકત થતાં કોરોનાના અન્ય દર્દીઓને પ્રેરણારૂપ ઘટના સામે આવતાં લોકોમાં હવે કોરોના સામેની લડાઇ લડવામાં વધુ મક્કમતા અને હિંમત સામે આવશે.

(9:26 pm IST)