Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

રાજયમાંથી હિજરત કરનારા શ્રમજીવીઓ સામે કાર્યવાહી

હાલ શ્રમિકોને બીજા રાજ્યમાં ન જવાની અપીલ : પોલીસ અને તંત્ર દ્વારા આવા લોકોની હિલચાલ પર ડ્રોન અને વિવિધ ટુકડી દ્વારા હાલ બાજ નજર રખાઇ રહી છે

અમદાવાદ,તા.૨૮ : મુખ્યમંત્રીના અંગત સચિવ અશ્વિની કુમારે શ્રમિકોને બીજા રાજયમાં જવા અપીલ કરી છે અને આવા જો કોઇ લોકો હિજરત કરતા જોવા મળશે તો તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવી સાફ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે. તેમણે સાથે ઉમેર્યું કે, રાજયમાં કોરોનાના વાઇરસની જે ગંભીર પરિસ્થિતિ પ્રવર્તી છે તે જોતાં આવા શ્રમિકો, તેમના પરિવારો વાઇરસના સકંજામાં ના ફસાય કે, સંક્રમણનો ભોગ ના બને તે હેતુથી તેઓને અન્ય રાજયોમાં કે પોતાના વતન તરફ હિજરત નહી કરવા અનુરોધ કરવામાં આવે છે.

       પોલીસ અને તંત્ર દ્વારા આવા લોકોની હિલચાલ પર ડ્રોન અને જુદી જુદી ટીમો દ્વારા ખાસ નજર રખાઇ રહી છે. રાજયમાં વકરતી જતી કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે ગભરાઇને પોતાના વતન અથવા તો રાજય બહાર જતાં શ્રમજીવી, ગરીબ અને પરપ્રાંતીય પરિવારોને સરકારે રાજય બહાર નહી નીકળવા અને હાલ જે સ્થળોએ છે ત્યાં રહેવા અનુરોધ કર્યો છે ત્યારે આજે પણ રાજય પોલીસ તંત્રએ પણ કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તેવા ઉમદા આશયથી રાજયની બહાર પગપાળા કે વાહનો સહિતના વિકલ્પ દ્વારા નીકળી રહેલા લોકોને અટકાવી દીધા હતા.

      પોલીસ દ્વારા આવા હજારો લોકોને જે તે સ્થળે અટકાવી દીધા હતા અને તેઓને સરકાર અને તંત્ર દ્વારા શરૂ કરાયેલા ૬૪ જેટલા રાહત કેમ્પમાં આશરો અપાયો હતો. તેમના માટે સરકાર અને તંત્ર દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રીના અંગત સચિવ અશ્વિનીકુમારે વધુમાં ઉમેર્યું કે, લોકડાઉન દરમ્યાન આવા કોઇપણ લોકો રાજય બહાર નીકળવાનો પ્રયાસ ના કરે, કારણ કે, તેમના અને તેમના પરિવારના આરોગ્યના હિતમાં અને તેઓને કોરોના વાયરસનું સંક્રમણ ના થાય તે

       હેતુથી રાજય બહાર નીકળવા નહી દેવાય. પોલીસ આવા તમામ લોકોને અટકાવી રહી છે. સરકારની મનાઇ છતાં અન્ય રાજયો કે વતનમાં હિજરત કરી રહેલા આવા શ્રમજીવી પરિવારો સહિતના લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજયભરમાં ૨૨૭ વાહનો જપ્ત કરી કુલ ૧૮ હજારથી વધુ લોકોને રાજયની બહાર જતાં અટકાવી દેવાયા છે. તમામ લોકોને સરકાર અને તંત્ર દ્વારા શરૂ કરાયેલા ૬૪ જેટલા રાહત કેમ્પોમાં આશરો આપવામાં આવ્યો છે.

(8:34 pm IST)