Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

લોકડાઉન ભંગ કરનાર સામે પોલીસની કડક કાર્યવાહી શરૂ

સેટેલાઇટમાં લોકડાઉન ભંગ બદલ બે ફરિયાદ : વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં લોકડાઉનનો ભંગ કરનાર તત્વો પર નજર : અનેકની સામે ગુના દાખલ

અમદાવાદ,તા. ૨૮ :     લોકડાઉનમાં ઘરમાં પુરાઈ રહેતા લોકોને નાકે દમ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હજુ તો ઘણા દિવસ લોકડાઉનના ભાગરૂપે ઘરમાં કેદ રહેવાનું છે, ત્યારે લોકો કોરોના વાઇરસની ગંભીરતા સમજ્યા વિના ઘરની બહાર નીકળતાં અને સોસાયટી કે મહોલ્લા બહાર એકઠા થતા પોલીસે આવા લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદમાં સેટેલાઇટ પોલીસે આવા કિસ્સામાં એક જ દિવસમાં લોકડાઉન ભંગ બદલ બે ફરિયાદો નોંધી સપાટો બોલાવ્યો હતો. તો સાથે સાથે વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં પણ પોલીસ દ્વારા લોકડાઉનનો ભંગ કરતાં તત્વો પર બાજ નજર રાખવાની સાથે સાથે સંખ્યાબંધ લોકો વિરૂધ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે. નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય તે સબંધે તકેદારીના ભાગરૂપે અને નોવેલ કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા સારૂ સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરેલ હોય આ સંબંધે પોલીસ જાહેરનામાનો કડક અમલ કરાવી રહી છે. હજુ પણ લોકો આ બાબતે ગંભીર નહીં બની લોકડાઉન ની એસીતેસી કરનાર સામે રાજકોટ પોલીસે આજે રાજકોટ જિલ્લામાં જુદા જુદા વિસ્તારો અને શહેરોમાં જાહેરનામાના ભંગ બદલ વધુ ૧૬ શખસો ઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

            તો, અમદાવાદના સેટેલાઇટ પોલીસે એક જ દિવસે બે ફરિયાદ નોંધી સપાટો બોલાવ્યો હતો. જે મુજબ સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલ પાસે ચારથી વધુ લોકો ટોળે વળીને ઉભા હતા. જેથી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે આ તમામની પૂછપરછ કરી હતી અને ભેગા થવાનું કારણ પૂછ્યું હતું. જેમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે, તેઓ એક બીજાને ઓળખે છે અને સમય પસાર કરવા ભેગા થયા છે. જેથી પોલીસે આ તમામની ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાથે જ રાજીવનગર ચાર રસ્તા ખાતે પણ કેટલાક લોકો ટોળે વળીને ઉભા હોઈ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે કારણ પૂછતાં તેઓએ પણ એકબીજાને ઓળખતા હોવાથી સમય પસાર કરવા ભેગા થયાનો જવાબ આપતા પોલીસે તેમની પણ ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ, સોસાયટી બહાર સમય પસાર કરવા નીકળેલા લોકોને લોકઅપમાં જવાનો વારો આવ્યો હતો. પોલીસે અન્ય શહેરોમાં પણ આ જ પ્રકારે કાર્યવાહી કરી આમજનતાને સાફ સંદેશો આપી દીધો છે કે, રાજયમાં કોરોનાની કપરી અને કટોકટીભરી સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે જો લોકડાઉનનો ભંગ કરાશે તો, જાહેરહિતમાં પોલીસ આકરી કાર્યવાહી કરશે તે નક્કી છે.

(9:11 pm IST)