Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધ્યુ : પારો વધીને હવે ૩૪.૪

લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પારો ૩૪ ડિગ્રી થયો

અમદાવાદ, તા. ૨૯ : અમદાવાદની સાથે સાથે રાજ્યના જુદા જુદા ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં આજે ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. ગરમીનું પ્રમાણ હવે દિન પ્રતિદિન વધી રહ્યું છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં યથાસ્થિતિ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૪.૪ અને લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી રહ્યું હતું. બીજી બાજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન આજે ૩૪ ડિગ્રી રહ્યું હતું. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનની સાથે સાથે મહત્તમ તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે. હળવા વરસાદી ઝાપટા માટેની કોઈપણ પ્રકારની આગાહી કરવામાં આવી નથી. આજે પણ અમદાવાદ શહેરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

          આવતીકાલે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ જોરદાર રીતે વધશે અને મહત્તમ તાપમાન વધશે. સાથે સાથે લઘુત્તમ તાપમાનમાં પણ આંશિક ફેરફાર જોવા મળશે. અમદાવાદની સાથે સાથે રાજ્યભરમાં હવે ગરમી વધતા પંખા અને એસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દિવસ દરમિયાન લોકોએ પંખા ચાલુ રાખ્યા હતા. બપોરના ગાળામાં વધુ તાપનો અનુભવ લોકોએ કર્યો હતો.બીજી બાજુ ઉત્તરપૂર્વીય પવનો હાલમાં પ્રદેશમાં નિચલી સપાટી ઉપર ફુંકાઈ રહ્યા છે. બેવડી સિઝનના અનુભવ અમદાવાદ શહેરમાં લોકો કરી રહ્યા છે જેથી નાના બાળકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના શિકાર થઇ રહ્યા છે. નિષ્ણાત તબીબોના કહેવા મુજબ બહારની વસ્તુઓને ટાળવાની જરૂર છે. સાથે સાથે ગરમ ચીજોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં જુદા જુદા ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે જેમાં પેટના દુખાવાની ફરિયાદ મોટાભાગના લોકો કરી રહ્યા છે. આના માટે ફુડ પોઇઝિંનિંગની ફરિયાદો ઉઠી રહી છે.

ક્યા કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૯ : અમદાવાદ સહિત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું હતું.

વિસ્તાર....................................... મહત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૩૪.૪

ડિસા............................................................ ૩૪.૨

ગાંધીનગર ..................................................... ૩૪

વીવીનગર.................................................... ૩૨.૮

વડોદરા........................................................... ૩૪

સુરત........................................................... ૩૩.૨

અમરેલી....................................................... ૩૪.૬

ભાવનગર..................................................... ૩૨.૨

રાજકોટ............................................................ ૩૩

નલિયા......................................................... ૨૯.૮

પોરબંદર...................................................... ૩૦.૬

 સુરેન્દ્રનગર.................................................. ૩૩.૫

મહુવા.......................................................... ૩૨.૪

કેશોદ........................................................... ૩૩.૨

ભુજ............................................................. ૩૪.૫

કંડલા એરપોર્ટ............................................... ૩૨.૭

કંડલા પોર્ટ....................................................... ૩૧

(9:13 pm IST)