Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

પેટ્રોલ-ડિઝલ ટેકસથી મહિને ૧૪૦૦ કરોડ આવક થાય છે

ટેક્સની આવકથી ગુજરાત સરકારને બખ્ખાં : ૩૪ મહિનામાં ૩૭૭૮૧ કરોડ આવક : ગુજરાતમાં રોજ ૩૭ કરોડથી વધુ ટેક્સ પેટ્રોલ તેમજ ડીઝલ દ્વારા મળે છે

અમદાવાદ,તા. ૨૯ : ગુજરાત રાજયમાંથી પેટ્રોલ-ડિઝલની ટેક્સની આવકથી રાજય સરકારને તો બખ્ખાં થઇ ગયા છે. સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલ પર ૧૭ ટકા વેટ અને ચાર ટકા સેસ વસૂલવામાં આવે છે. જેના કારણે ગુજરાત સરકારની સૌથી મોટી આવક પેટ્રોલ-ડીઝલ પરની વેટ અને સેસની છે. પેટ્રોલ-ડિઝલના ટેક્સમાંથી રાજય સરકારને દર મહિને રૂ.૧૪૦૦ કરોડ જેટલી અધધધ... આવક થાય છે. ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પર છેલ્લા ૩૪ મહિનામાં સરકારે ટેક્સ વસૂલીને ૩૭,૭૮૧ કરોડની આવક કરી છે. જેમા પેટ્રોલમાં ૨૦૧૮-૧૯માં રૂ.,૨૬૬ કરોડ તેમજ ડીઝલમાં રૂ.,૭૩૪ કરોડ મળી કુલ રૂ.૧૪,૦૦૧ કરોડની આવક મેળવી હતી. જ્યારે એપ્રિલ-૨૦૧૯થી જાન્યુઆરી-૨૦૨૦ સુધી પેટ્રોલ-ડિઝલના ટેક્સમાંથી રૂ.૧૦,૯૦૫ કરોડ મેળવ્યા હતા.

         તે જોતાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની વેટ અને સેસમાંથી ૩૪ મહિનામાં દર મહિને કુલ ,૧૧૧ કરોડથી પણ વધુની સરેરાશ આવક મેળવી હતી. ગુજરાતમાં દરરોજ ૩૭ કરોડથી વધુ ટેક્સ પેટ્રોલ-ડીઝલમાં સરકાર કમાણી કરે છે. ગુજરાત વિધાનસભામાં ખુદ રાજય સરકાર તરફથી માહિતી સામે આવતાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ખાસ કરીને, પેટ્રોલ-ડિઝલમાંથી આટલી કમાણી કરનાર ભાજપ સરકાર પર વિપક્ષ કોંગ્રેસે પણ પ્રહારો કર્યા હતા અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પેટ્રોલ-ડિઝલના ભડકે બળતા ભાવો પોષાઇ રહ્યા નથી ત્યારે વેટ અને સેસમાં ઘટાડો કરી ભાવો નીચા લાવવા ઉગ્ર માંગણી કરી હતી.

          ગુજરાત વિધાનસભામાં સરકારે રજૂ કરેલા આંકડા મુજબ, ૨૦૧૭-૧૮ના વર્ષમાં રૂ.૧૨,૮૭૪.૮૩ કરોડ અને ૨૦૧૮-૧૯ના રૂ.૧૪૦૦૧.૩૦ કરોડ અને એપ્રિલ ૨૦૧૯થી જાન્યુઆરી સુધીના ૧૦ મહિનામાં રૂ.૧૦૯૦૫.૨૫ કરોડ મળીને છેલ્લા બે વર્ષ અને ૧૦ મહિનામાં રૂ.૩૭૭૮૧.૩૮ કરોડ રૂપિયાની ધરખમ આવક સરકારને મળી છે. એટલે કે ગુજરાત સરકારને પેટ્રોલ પરના વેરા પેટે માસિક સરેરાશ આશરે રૂપિયા ૩૪૨.૨૦ કરોડ અને ડીઝલ પરના વેરા પેટે કુલ સરેરાશ ૧૧૧૧.૨૧ કરોડની આવક થઈ છે.

          ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર ૧૭ ટકા વેટ અને ટકા સેસ વસૂલવામાં આવે છે. જીએસટીની વાર્ષિક આવકના લક્ષ્યાંકમાં પેટ્રોલ-ડીઝલ મારફત થતી આવકનો સમાવેશ કરાતો નથી. જ્યારે તા. એપ્રિલ ૨૦૧૯થી તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૦ સુધી પેટ્રોલમાં વેટ-સીએસટી-સેસથી રૂપિયા ૩૩૮૦.૬૧ કરોડ, જ્યારે ડીઝલમાં રૂપિયા ૭૫૨૪.૬૪ કરોડની આવક થઈ છે. આમ, સરકારની તિજોરીમાં પેટ્રોલ-ડિઝલ થકી જંગી આવક થાય છે, જે સૌથી વધુ છે.

(8:36 pm IST)