Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ઓનલાઇન ડેટીંગથી સાવધાનઃ અમદાવાદના યુવકે રૂ. ૪.પ૯ લાખની રકમ ગુમાવી

એક હજાર ભરી મેમ્બરશીપ લીધી, યુવતીની જાળમાં ફસાઇ ટૂકડે ટૂકડે રૂપિયા જમા કરાવ્યા

અમદાવાદ, તા. ર૯ :  જો તમે કોઈ પણ જગ્યા પર યુવતીઓ સાથે ઓનલાઇન ડેટિંગ કરવાની જાહેરાતો વાંચીને જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરતા હો તો સાવધાન થઇ જજો. કારણ કે,વસ્ત્રાપુરમાં રહેતા એક યુવકને યુવતી સાથે ઓનલાઇન ડેટિંગ કરવાનું ભારે પડ્યું છે. યુવકને સર્વિસ ન મળતાં રૂ. ૪.૫૯ લાખ પાછા માંગ્યા તો યુવતીએ બદનામ કરવાની ધમકી આપતાં વસ્ત્રાપૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ પશ્યિમ બંગાળના કોલકાતાના અને હાલ અમદાવાદના વસ્ત્રાપુરની મહાવીરનગર સોસાયટીમાં રહેતા પ્રમીતરાય એક ખાનગી કંપનીમાં કન્સલન્ટની નોકરી કરે છે. ગત ડિસેમ્બર મહિનામાં ઓનલાઇન યુવતી સાથે પ્રમીતને ડેટિંગ કરવાનું મન થયું હતું. પ્રમીતે ગૂગલ પર ઓનલાઇન ડેટિંગ સર્ય કર્યું હતું. જેમાં locanto નામની એક વેબસાઇટ ઓપન થઇ હતી તે બાદ તેને સંપર્ક કર્યો હતો. થોડો વાર બાદમાં પ્રમીતના નંબર પર મિસ કોલ આવ્યો હતો. તેણે ફોન કરતાં સામે યુવતીએ પોતાનું નામ ડિમ્પી કહ્યું હતું અને પોતે ઓનલાઇન ડેટિંગ એજન્સી ધરાવતી હોવાનું જણાવ્યું હતું. તે બાદમાં પ્રમીતે પેમેન્ટ બાબતે પૂછ્યું હતું. યુવતીએ પ્રમીતને મેમ્બર બનવા માટે એક હજાર માગ્યા હતા.

મેમ્બર બન્યા બાદ પ્રમીતને બે છોકરીઓના ફોટો અને વિગતો વોટસએપ કરવામાં આવી હતી. જેમાં તેને ર૬ વર્ષની પલક શર્મા નામની યુવતી પસંદ આવી હતી. જેથી ત્યારબાદ પ્રમીત યુવતીની જાળમાં આવી જતાં ટૂકડે ટૂકડે ૪.પ૯ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા પણ પ્રમીતને કોઇ સર્વિસ ન મળતાં એક દિવસ તેણે આ નાણા રિફન્ડ માગ્યા હતાં તો સામે યુવતીએ તેના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા ઓન લાઇન મુકીને તેને બદનામ કરી નાખશે તેવી ધમકી આપતાં આખરે પ્રમીતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ડીમ્પી અને અન્ય એક વ્યકિત સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)