Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કેન્દ્રીય બજેટના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે માર્ગદર્શન આપ્યું

કેન્દ્રીય બજેટ વિષય પર પ્રદેશ સ્તરનો વર્કશોપ : ગુજરાતના બજેટ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી : કોંગ્રેસ શાસનમાં સંચાલન બેકસીટથી ચાલતું હતું : રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ

અમદાવાદ,તા.૨૮ : ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', ગાંધીનગર ખાતે કેન્દ્રીય બજેટ અને રાષ્ટ્રીય બજેટના વિષય પર પ્રદેશ સ્તરનો વર્કશોપ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી સતીશ તથા કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે કેન્દ્રીય બજેટ વિષય પર માર્ગદર્શન આપ્યું. નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિન પટેલે ગુજરાત બજેટ પર માર્ગદર્શન આપ્યું. આજના પ્રદેશ સ્તરના વર્કશોપમાં ગુજરાતભરમાંથી આવેલા અપેક્ષિત અગ્રણી કાર્યકર્તાઓને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વર્કશોપની પૂર્વભૂમિકા વિષે ચર્ચા કરી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાજેતરમાં રજુ થયેલા ગુજરાત બજેટ ૨૦૨૦-૨૧ વિષે છણાવટપૂર્વક વિસ્તૃત ચર્ચા કરી હતી. નીતિન પટેલએ જણાવ્યું હતું કે, છેલ્લાં ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપાનું શાસન છે.

          આ દરમિયાન ભાજપા સરકારોની પ્રમાણિક શાસન વ્યવસ્થા, પ્રજાકલ્યાણની ખેવના તથા નીતિવિષયક નિર્ણયોની તત્પરતાને લીધે ગુજરાત સમગ્ર દેશમાં રોલ મોડેલ રાજ્ય બન્યું છે, ઉત્તમ રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ ગુજરાતને ઉત્તમમાંથી સર્વોતમ રાજ્ય બનાવવા માટેનો રોડમેપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરુ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને નવી ઉંચાઈએ લઇ જવા માટેની પ્રતિબધ્ધતા સાથેનું બજેટ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં રહેતા તમામ જ્ઞાતિ-જાતી, સમાજ-વર્ગોના લોકોની સર્વાંગીણ ઉન્નતી થાય તે પ્રકારની વિશિષ્ટ જોગવાઈઓ સાથેનું પ્રજાભિમુખ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આજના વર્કશોપમાં કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલએ કેન્દ્રીય બજેટ વિષે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય અર્થતંત્ર વિશ્વનું સૌથી મોટું ' (પાંચ)'માં ક્રમનું અર્થતંત્ર બની ગયું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામનએ રજુ કરેલું કેન્દ્રીય બજેટ 'નવા ભારત'ની રચના માટેનો મજબુત આધાર બની રહેશે. બજેટમાં ઘોષિત નવા સુધારાઓ ફક્ત અર્થવ્યવસ્થાની તેજી પૂરતા સીમિત નથી, પરંતુ દેશના પ્રત્યેક નાગરિકના આર્થીક સશક્તિકરણ માટેના લક્ષ્ય સાથેના સુધારાઓ છે.

          આ બજેટમાં નવા દશક માટે અર્થતંત્રને વધુ મજબુત બનાવવાની પ્રતિબધ્ધતા છે. બજેટનો ૧૬ મુદ્દા કાર્યક્રમ ગ્રામીણ ક્ષેત્રમાં રોજગાર સર્જન વધારવાની સાથે ખેડૂતોની આવક બમણી કરવામાં મદદરૂ થશે. રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવે તેમના સમાપન વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાસનના ૧૦ વર્ષમાં દુર્ભાગ્યવશ દેશનું સંચાલન બેકશીટ ડ્રાઈવિંગથી થતું હતું. દેશનું અર્થતંત્ર વેર-વિખેર સ્થિતિમાં હતું. છેલ્લાં વર્ષના ભાજપા સરકારના શાસન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરવા માટે સક્ષમ બન્યું છે. અર્થતંત્રમાં તેજીની સાથે લોકોની આવકમાં વધારો અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ'ની સાથે 'ઈઝ ઓફ લીવીંગ'ની પણ અનુભૂતિ સામાન્ય નાગરિક પણ કરી રહ્યો છે ત્યારે કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧ ભારતના અર્થતંત્રને ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટેનો રોડમેપ છે.

(8:29 pm IST)