Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થાય તેવી શક્યતા

વડોદરા અને સુરતમાં વરસાદી ઝાપટાની વકી : અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી હવામાનમાં પલટો : અમરેલીમાં મહત્તમ તાપમાન ૩૬.૪

અમદાવાદ, તા. ૨૮ : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને વાદળછાયુ વાતાવરણ દિવસ દરમિયાન રહ્યું હતું. વિવિધ વિસ્તારોમાં વરસાદ જેવું વાતાવરણ રહ્યું હતું. ગરમીની અસર પણ ઓછી નોંધાઈ હતી. હવામાન વિભાગના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગો ખાસ કરીને વડોદરા અને સુરતમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો આગામી ૨૪ કલાક દરમિયાન જોવા મળી શકે છે. હવામાનમાં આવેલા એકાએક પલટાની વચ્ચે પણ આજે અમદાવાદ શહેરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફારની સ્થિતિ રહી ન હતી. રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૩૬થી પણ ઉપર પહોંચી ચુક્યો છે.

           આજે અમરેલીમાં મહત્તમ તાપમાન ૩૬.૪ સુધી પહોંચી ગયું હતું જ્યારે અમદાવાદ મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી રહ્યું હતું. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૫.૫ ડિગ્રી રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૩.૬ અને મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ તાપમાનમાં આગામી ૪૮ કલાક દરમિયાન બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાનમાં આવેલા પલટા વચ્ચે વડોદરા અને સુરતમાં વરસાદી માહોલ રહી શકે છે. આજે બપોરના ગાળામાં અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેતા એકાએક ગરમીનું પ્રમાણ  ઘટી ગયું હતું. બીજી બાજુ ઉત્તરપૂર્વીય પવનો હાલમાં પ્રદેશમાં નિચલી સપાટી ઉપર ફુંકાઈ રહ્યા છે.

           બેવડી સિઝનના અનુભવ અમદાવાદ શહેરમાં લોકો કરી રહ્યા છે જેથી નાના બાળકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના શિકાર થઇ રહ્યા છે. નિષ્ણાત તબીબોના કહેવા મુજબ બહારની વસ્તુઓને ટાળવાની જરૂર છે. સાથે સાથે ગરમ ચીજોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં જુદા જુદા ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે જેમાં પેટના દુખાવાની ફરિયાદ મોટાભાગના લોકો કરી રહ્યા છે. આના માટે ફુડ પોઇઝિંનિંગની ફરિયાદો ઉઠી રહી છે. બહારની ચીજવસ્તુઓ અયોગ્ય ટાઈમ પર ખાવાના લીધે આ પ્રકારની જટિલ સમસ્યા ઉભી થઇ છે. જો હવે વરસાદી ઝાપટા પડશે તો સિઝનમાં ફરી ફેરફાર થશે અને રોગચાળાના કેસોમાં વધારો થશે.

ક્યા કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૮ : અમદાવાદ સહિત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું હતું.

વિસ્તાર....................................... મહત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૩૩.૬

ડિસા............................................................ ૩૩.૨

ગાંધીનગર .................................................. ૩૨.૫

વીવીનગર.................................................... ૩૩.૯

વડોદરા........................................................ ૩૫.૫

સુરત........................................................... ૩૫.૬

અમરેલી....................................................... ૩૬.૪

ભાવનગર..................................................... ૩૩.૭

રાજકોટ........................................................ ૩૪.૭

નલિયા............................................................ ૩૦

(8:48 am IST)