Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

સુરતથી 7.86કરોડના હીરા સાથે ભાગેલ બ્રોકર ઝડપાયો

દલાલ મહાવીર દરપક્ડ સમયે આરામથી સૂતો હતો :2.91લાખનું સોનુ પણ મળ્યુ

સુરત : હીરા નગરી સુરતમાં અવાર નવાર દલાલો હીરા લઈને ભાગી જવાની ઘટનાં બનતી હોય છે તેમાં  વધુ એકનો ઉમેરો થયો છે  મળતી માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારમાં હીરા દલાલી કરતા એક દલાલે હીરા વેપારીઓને વિશ્વાસમાં કેળવી 32 જેટલા વેપારીઓ પાસેથી ઊંચા ભાવે હીરા વહેંચી આપવાની લાલચ આપી 7 કરોડથી વધુના હીરા લઈ ભાગી ગયો હતો આ આરોપીની વરાછા પોલીસ સ્ટેશને સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કરોડોનો હીરાનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.

સુરતમાં અનેક વખત છેતરપીંડીની ઘટના સામે આવે છે. અવારનવાર લોકોને લાલચ આપી છેતરી લેવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં એક હીરા દલાલે 32 જેટલા વેપારીઓના કરોડોના હીરા લઈ રફુચક્કર થઈ જવાની ઘટના બની હતી. સુરતમાં રહી હીરા દલાલી કરતા મહાવીર ઉર્ફે મુસભાઈ અગ્રાવત છેલ્લા ઘણા સમયથી હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પિતા પણ છેલ્લા 25 વર્ષ થી હીરા દલાલીના વ્યવસાઈ સાથે સંકળાયેલા છે. ઉલ્લેખનીય છે કે, તેમના પુત્ર મહાવીર પર આસાનીથી હીરા વેપારીઓને ભરોસો થઈ ગયો હતો. તેમના પિતાએ એટલા વર્ષ હીરા દલાલી કર્યા બાદ મહાવીર દલાલીના વ્યવસાય સાથે જોડાયો હતો.

મહાવીરે અલગ અલગ 32 જેટલા વેપારીઓને વિશ્વાસ લઈ ઊંચા ભાવે હીરા વહેંચી આપવાની લાલચ આપી અંદાજીત 7 કરોડ 86 લાખ 81 હજાર 264 રૂપિયાના હીરાના પેકેટ મેળવી લીધા હતા. હીરા આવી ગયા બાદ એકાએક મહાવીર ગાયબ થઈ ગયો હતો. થોડા દિવસ વેપારીઓએ રાહ જોયા બાદ પણ મહાવીર દેખાયો ના હતો જેથી વેપારીઓએ વરાછા પોલીસ મથકમાં મહાવીર સામે છેતરપીંડીની ફરિયાદ નોંધવી હતી. વરાછા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા. તાપસ દરમિયાન સામે આવ્યું હતું કે મહાવીરે પોતાની સાળી ને ફોન આપ્યો હતો અને ફોન ફોર્મેટ મારી અને કાર્ડ ફેંકી દેવા જણાવ્યું હતું.

પોલીસે મહાવીરના સગા સંબંધીઓ તરફ તપાસનો દોર શરૂ કર્યો હતો. તે દરમિયાન મહાવીર સુરેન્દ્રનગર ખાતે ગયો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે તાત્કાલિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન સુરતના પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ રજા પર હતો અને તે તેમના વતન સુરેન્દ્રનગર ખાતે હતો. વરાછા પોલીસ મથક દ્વારા તેમને તપાસ કરવા જણાવ્યું હતું. આ પોલીસ કોન્સ્ટેબલે ત્યાં જઈ તપાસ કરતા એક ઈસમ ત્યાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી વરાછા પોલીસ તાત્કાલિક સુરેન્દ્રનગર જવા રવાના થઈ હતી.

પોલીસે ત્યાં જઈ જોયું તો મહાવીર સુતેલી હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે તાત્કાલિક મહાવીરની પૂછપરછ કરી હતી. મહાવીરે પોતાનો ગુનો કબુલ્યો હતો અને 7,86,81,264 ના હીરા કબ્જે કર્યા હતા. આ સાથે જ 2,91,750નું સોનુ કબ્જે કર્યું હતું. પોલીસે તેમની પૂછપરછ કરતા જણાવ્યું હતું કર દલાલી કામથી કંટાળો આવી જતા મોટી કિંમત લઈ સેટ થઈ જવાય તે માટે હીરા લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપી મહાવીર ની ધરપકડ કરી 7,89,73,014 રૂપિયા નો મુદામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:15 pm IST)