Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ગુજરાત ઠેર-ઠેર માવઠાનો માહોલ: ક્યાંક વરસાદ તો કાયક કારા

અંબાજી, ખેડામા કરા પડ્યાં,અમદાવાદમાં રિવરફ્રન્ટ ભીજાયું, ખેડૂતોમાં ચિંતા પ્રસરી: લગ્ન આયોજકોમાં મચી દોડધામ

ગાંધીનગર :આજે બનાસકાંઠા વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી હતી. જેમાં અંબાજીમાં આજે મોડી સાંજે કરા સાથે વરસાદ પડ્યો હતો.

વધુમાં બનાસકાંઠાના ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે બાદ આજે ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતા વધી હતી.

બીજી તરફ મહેસાણા જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ સર્જાયો હતો. જેથી ખેડૂતો માથે ઉપાધિના વાદળો ઘેરાયા હતા. જિલ્લામાં સવારથી ગોરંભાયેલા વાદળો વચ્ચે સાંજના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ ધીમીધારે શરૂ થયો હતો.ખેતીને ભારે નુકશાનની ભીતિ હોવાથી ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.તો ખેડા જિલ્લામાં પણ બરફના કરાનો વરસાદ થયો હતો. મહેમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં બરફ વરસ્યો હતો. સમી સાંજે વરસાદી વાતાવરણ બાદ કરા પડતા મહેમદાવાદ વાસીઓમાં અચરજમાં મુકાયા હતા.

ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર વડગામ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારે ઝાપટું પડયા બાદ સમગ્ર પંથકમાં વીજળી ડૂલ થઈ હતી. સાથે સાથે હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને ધરમપુરના આંતરિયાળ વિસ્તાર એવા વિલ્સન હિલ અને આસપાસના વિસ્તારમાં માવઠાએ મોકાણ સર્જી હતી. એજ રીતે સાબરકાંઠાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં પણ વીજળીના કડાકા સાથે માવડું પડ્યું હતી. તો વડાલી ઇડર વિસ્તારમાં બરફના કરા પડતા હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થયો હતો.

એટલું જ નહિ અમદાવાદમાં આજે બીજા દિવસે પણ ભરશિયાળે માવઠું યથાવત રહ્યું હતું. શહેરના બોડકદેવ, સરખેજ, થલતેજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાથી શિયાળુ પાક પ્રભાવિત થાય તેવી સ્થિતિ છે. આજે સવારથી અમદાવાદમાં ધૂમમ્સભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું.

શિયાળાની સીઝન હાલ પિક પર છે આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. જેને લઈને ગઈકાલે કચ્છ, બોટાદ, સાબરકાંઠા, અમરેલી, જામમગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારબાદ આજે પણ કમોસમી વરસાદનો કહેર યથાવત રહેવા પામ્યો હતો.મહત્વનું છે કે એક બાજુ લગ્નગાળાની સિઝનને લઈને રાજ્યમાં અનેક પરિવારોને ત્યા લગ્નનો રૂડો અવસર છે. આવી સ્થિતી વચ્ચે માવઠાએ મોકણ સર્જતાં યજમાનોને દોડાદોડી થઈ પડી હતી.

 

(9:21 pm IST)