Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

સવારે ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ થયો: ઘઉં, તમાકુ જેવા પાકોને નુકસાન થવાની દહેશત

ભર શિયાળામાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો: ધરતીપુત્રોમાં રવિ પાકનું થનાર નુકસાનને લઇ ચિંતા વ્યાપી

નડિયાદ: શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. તે મુજબ આજે વહેલી સવારે ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો.આ માવઠાના કારણે રવિ પાકને નુકસાન થવાની સંભાવના છે.
જેથી ધરતી પુત્રોમાં ચિંતા વ્યાપી છે.
આજે વહેલી સવારે નડિયાદ શહેર, મહુધા, મિત્રાલ, ડભાણ, પીજ, વસો, કણજરી, ચકલાસી, ઠાસરા વગેરે વિસ્તારમાં માવઠું થયું હતું. જેથી રસ્તા પર ભર શિયાળામાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. અચાનક માવઠું થતા રવિ પાક જેમાં તમાકુ, ઘઉં, રાયડો જેવા પાકને નુકસાન થવાની સંભાવના છે. ખાસ કરીને તમાકુનું વધારે નુકસાન થાય છે. આ માવઠાને કારણે ઘઉં, રાયડો જેવા પાકમાં ગેરું તેમજ મસી જેવી જીવાત પડવાની સંભાવના રહેલી છે. આજે બદલાયેલા વાતાવરણ માવઠાને કારણે વાતાવરણ ટાઠુ બોર થઈ જતા જનજીવન પર અસર જોવા મળી હતી. એટલું જ નહીં રસ્તા પર વાહનોની અવર જવરમાં ઘટાડો જોવા મળ્યો હતો.આમ કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોમાં રવિ પાકનું થનાર નુકસાનને લઇ ચિંતા વ્યાપી છે.
અચાનક વાતાવરણમાં પલટો આવતાં ઠેર ઠેર કમોસમી વરસાદ થયો છે. આ વરસાદ થતાં ખેડા જિલ્લામાં ઘઉં,તમાકુ,રાયડો, બટાકા, શક્કરિયા જેવા પાકને નુકસાન થવાની શક્યતા છે.માવઠાને કારણે રવી પાકમાં ગેરુ, મસી જેવી જીવાત પડવાની તેમજ તમાકુમાં ગાંઠો પડવાની સંભાવના રહે છે.જોકે રવી પાકને નુકસાન થાય તેવો વધારે વરસાદ થયો નથી.જો હજી વધારે વરસાદ થાય તો ખાસ કરીને બટાકા, ઘઉં, શક્કરિયા જેવા પાકને નુકસાન થવાની શક્યતા રહે છે.

(2:48 pm IST)