Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ભાજપા સરકારની નિતિના કારણે ખેડૂતોની આવક અડધી થઈ અને ખર્ચ બમણો : કોંગ્રસના આકરા પ્રહાર

મોંઘવારી વચ્ચે ખાતરના ભાવો વધતા ખેડૂતોને સરવાળે ઉત્પાદન મોંઘુ:ખેતપેદાશો – જણસોમાં અપૂરતા ભાવો મળતા ખેડૂતો સતત દેવાદાર

અમદાવાદ :રાજ્યમાં એક તરફ અનેક જિલ્લાઓમાં ખાતરની તંગી જોવા મળી રહી છે, તો સાથે સાથે ખાતરના ભાવોમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં 40 થી લઈ 100 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, એક તરફ વધતી જતી મોંઘવારી વચ્ચે ખાતરના ભાવો વધતા ખેડૂતોને સરવાળે ઉત્પાદન મોંઘુ પડી રહ્યું છે, જ્યારે ખેતપેદાશો – જણસોમાં અપૂરતા ભાવો મળતા ખેડૂતો સતત દેવાદાર બની રહ્યાં છે. 2014ની લોકસભા ચૂંટણી સમયે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો – વચન આપનાર ભાજપા સરકારની નિતિના કારણે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે અને ખર્ચ બમણો થઈ ગયો છે.

ત્યારે ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી ભાજપા મોડલ પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો લલિત કગથરા, ડૉ. કીરીટ પટેલ અને હર્ષદભાઈ રિબડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ માસમાં ખાતરોના ભાવ આસમાને આંબી ગયા છે, જેમાં છેલ્લા 2 માસ કરતા વધુ સમયથી ડી.એ.પી. ની આવક સાવ બંધ થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી, જ્યારે અન્ય ખાતરો જેમાં એન.પી.કે. ખાતર 12-32-16 જૂનો ભાવ 1185 હતો, જ્યારે નવો ભાવ 1450 થઈ ગયો છે, નર્મદા ફોર્સ 20-20 જૂનો ભાવ 950 હતો, જ્યારે નવો ભાવ 1150 થયો છે, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ જેનો જૂનો ભાવ 975 હતો, જ્યારે નવો ભાવ 1225 થયો છે.

નાઈટ્રોજન બેજ ખાતરોના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે, જેમાં એમોનિયમ સલ્ફેટ જૂનો ભાવ 656 હતો, જ્યારે નવો ભાવ 1000ને પાર પહોંચી ગયો છે, જ્યારે અન્ય ખાતરો અને જંતુનાશક દવાઓના ભાવમાં પણ ધરખમ વધારો થતાં ખેડૂતોની પાક ઉત્પાદનની કમાણી ખાતરો પાછળ વેડફાઈ રહી છે, ડી.એ.પી. યુરીયા મળતુ નથી, રવી સીઝનમાં મોટા પાયે ખેડૂતો ખાતર વિના પરેશાન થઈ રહ્યાં છે. ખેડૂતોને વાવણીથી લઈને લણવા સુધીના સમય દરમ્યાન અનેક પ્રકારના રાસાયણિક ખાતરોનો વપરાશ કરવો પડતો હોય છે, પાંચ રાજ્યોમાં ચૂંટણીના કારણે ગુજરાતના ખેડૂતોને ખાતરથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. ખાતરમાં 40 થી 100 ટકા, જંતુનાશક દવાઓ 30 થી 40 ટકા અને ટ્રેક્ટરથી ખેડવાનો ભાવ વીઘા દીઠ બમણો થઈ ગયો છે ત્યારે ખેડૂતો અને ખેતી મોટા પાયે મુશ્કેલીમાં મુકાયા છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસા બાદ પણ સતત પડી રહેલાક મોસમી વરસાદે ખેડૂતોના પાકમાં વ્યાપક નુકશાન પહોંચાડ્યું છે, ચોમાસા દરમ્યાન પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને ચોમાસુ ગયા બાદ પણ ગુજરાતમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી બનાવી દીધી છે. ત્યારે, ભાજપ સરકાર ખાતરના ભાવ કાબુમાં લે અને ખેડૂત અને ખેતી વિરોધી નીતિઓ પાછી ખેંચે તેવી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો લલીત કગથરા, ડૉ. કીરીટ પટેલ અને હર્ષદ રીબડીયાએ માંગણી કરી છે.

(12:26 am IST)