Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ઐતિહાસિક નગરી વડનગર અને ધરોઈ ડેમની મુલાકાતે મુખ્ય સચિવ : પ્રવાસન વિકાસ કામોની સમીક્ષા કરી : પંકજકુમાર વડનગરની ગલીઓમાં પગપાળા ચાલ્યા

વડનગરના અંબાજી કોઠા લેઇક,શર્મિષ્ઠા તળાવના થીમ પાર્ક,તાના-રીરી પાર્ક,મ્યુઝિયમ ઓફ મ્યુઝિક,સ્પોર્ટસ કોમ્પેલેક્ષ,આર્ટ ગેલેરીની રૂબરૂ મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કરી માહિતી મેળવી

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર એક દિવસીય મુલાકાતે આવ્યા હતા.તેઓ વડનગર પહોંચ્યા ત્યારે મહેસાણા જિલ્લાના ઉપસ્થિત અધિકારીઓએ તેમનું સ્વાગત અભિવાદન કર્યું હતું.

વડનગરની વિવિધ સાઇટોની મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ પંકજકુમારની સાથે વડનગરના અગ્રણી અને સામાજિક કાર્યકર્તા સોમાભાઇ મોદી,રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ અશ્વિનીકુમાર,પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લા,અગ્ર મુખ્ય વનસંરક્ષક ડો ડી..કે.શર્મા,કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સહિત મહેસાણાના વિવિધ ખાતાના અધિકારીઓ પણ જોડાયા હતા
 મુખ્ય સચિવએ વડનગરના અંબાજી કોઠા લેઇક,શર્મિષ્ઠા તળાવના થીમ પાર્ક,તાના-રીરી પાર્ક,મ્યુઝિયમ ઓફ મ્યુઝિક,સ્પોર્ટસ કોમ્પેલેક્ષ,આર્ટ ગેલેરીની રૂબરૂ મુલાકાત લઇ, સ્થળ નિરીક્ષણ કરી, માહિતીથી મેળવી હતી.તેમણે વડનગરના વિવિધ પ્રોજેક્ટો ઝડપથી પુરા કરવા માટે અને પ્રોજેક્ટના વધુ સારા ડેવલપમેન્ટ માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.પંકજ કુમારે વડનગરના ઇતિહાસને જીવંત કરતી આર્ટ ગેલેરીમાં ટુરિસ્ટ ગાઇડ પાસેથી ઇતિહાસ જાણવામાં,સમજવામાં ખાસ્સો સમય કાઢી, રસ લીધો હતો.તેમણે અને ઉચ્ચ અધિકારીઓએ થ્રિડી થીયેટરમાં વડનગરના ઇતિહાસને માણ્યો હતો.આ ઉપરાંત તેમણે શર્મિષ્ઠા તળાવના થીમ પાર્કમાં જીવંત કરાયેલા સંગીતના વિવિધ રાગ પૈકી કેદારરાગ હેડફોન લગાવીને સાંભળ્યો હતો.
 તેમણે વડનગરના રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી,પોતાના પિતાની  ચાની  જે કિટલી પર કામ કરતા હતા તેની પણ મુલાકાત લીધી હતી.,વડનગરમાં તેઓએ પ્રેરણા સ્કૂલ અને નિર્માણાધીન સંગ્રહાલયની મુલાકાત લીધા બાદ બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી,જૈન દૈરાસર ,ભવાની મંદિર જવાના આખા રસ્તા પર,ગલીઓમાં પગપાળા ચાલીને ઉત્સાહથી બધી વિગતો મેળવી હતી.આ વેળાએ વડનગરના લોકો તેમને જોવા માટે ઉમળકાથી પોતાની ઘરની બારીઓ અને ઓટલે ગોઠવાઇ ગયા હતા.
મુખ્ય સચિવએ વડનગરમાં નિર્માણાધીન સ્પોર્ટસ કોમ્પલેકસની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ હોટલ તોરણના કોન્ફરન્સ રૂમમાં મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે વડનગરનો વારસો અંતર્ગત જિલ્લામાં કરાયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન, મુખ્ય સચિવ સમક્ષ કર્યું હતું. તેમણે ગુજરાત પ્રવાસન અને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા વડનગરમાં પ્રવાસન અને હેરીટેજ સ્થળ તરીકે વિકસાવાઇ રહેલાં વિવિધ પ્રોજેક્ટની જાણકારી મેળવી ,સમીક્ષા કરી હતી
પંકજકુમારે સાબરમતી જળાશય યોજના આધારિત ધરોઇ બંધની મુલાકાત લીઘી હતી. તેમણે ધરોઇ ડેમને મહેસાણા જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની શક્યતાના વિવિધ પ્રોજેક્ટોને અમલમાં મૂકવાના ભાગ રૂપે,સ્થળ નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.
ધરોઇ ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટ પર આઇડેન્ટીફાઇ કરવામાં આવેલી અમદાવાદની એજન્સી આઇ.એન.આઇ ડિઝાઇનના આર્કિટેકટ અને કન્સલટન્ટ  હર્ષ ગોહેલ અને ધરોઇ ડેમના એન્જિનિયર પટેલે તેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર સ્થળો અને વિવિધ પ્રોજેક્ટોની માહિતી આપી હતી.
 મહાનુંભાવોના હસ્તે હોટલ તોરણ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.વડનગરની વિવિધ સાઇટની મુલાકાત લઇ નયન રમ્ય અને મનોહર દશ્યથી  મુખ્ય સચિવ પ્રભાવિત થયા હતા.

(8:40 pm IST)