Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સુરતના અમરોલી વિસ્તારમાં સાડી વેપારીના બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 27 લાખની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના અમરોલી રજવાડી પ્લોટની સામે સ્ટાર રેસિડેન્સીમાં રહેતા સાડી વેપારીના બંધ ઘરનું લોક માથામાં નાંખવાની પીનથી ખોલી તસ્કરો વેપારી અને તેમના પુત્રના બેડરૂમની તિજોરીમાંથી દાગીના-રોકડ મળી રૂ.27.21 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ દેવભુમી દ્રારકાના ભાણવદના મોણપર ગામના વતની અને સુરતમાં અમરોલી રજવાડી પ્લોટની પાસે સ્ટાર રેસિડન્સી ઘર નં.જી-302 માં પત્ની કાલીંદીબેન, પુત્ર નિકુંજ અને પુત્રવધુ મોનીકા સાથે રહેતા 53 વર્ષીય કરશનભાઇ લક્ષ્મીદાસ કોટેચા અમરોલી અર્જુનનગર સોસાયટીમાં તરંગ સાડી સેન્ટર એન્ડ મેચીંગના નામે સાડીની દુકાન ધરાવે છે. દુકાન એકલા જ સંભાળતા કરશનભાઈનો પુત્ર અને પુત્રવધુ ગત 26 મી ના રોજ ગોવા ફરવા ગયા હોય ગત 27મી ની બપોરે જમ્યા બાદ સાંજે ચાર વાગ્યે કરશનભાઈ સાથે તેમના પત્ની કાલીંદીબેન પણ દુકાને આવ્યા હતા. બંને રાત્રે નવ વાગ્યે ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને લોકમાં માથામાં નાંખવાની એક પીન અંદર હતી. જયારે બે ત્રણ પીન નીચે પડેલી હતી. કરશનભાઈ અને તેમના પત્નીએ પોતાના અને પુત્રના બેડરૂમમાં તપાસ કરી તો બંને બેડરૂમમાં તિજોરી અને લોકર ખુલ્લા હતા. તસ્કરો બંને બેડરૂમની તિજોરીના લોકરમાંથી રૂ.21,36,322 ની મત્તાના સોનાચાંદીના દાગીના અને પુત્રના લગ્ન સમયે ભેગા થયેલા અને ધંધાના રોકડા રૂ.5.85 લાખ મળી કુલ રૂ.27,21,322 ની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના અંગે કરશનભાઈએ ગતરોજ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(7:56 pm IST)