Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ગાંધીનગરમાં સે-30માં કારચાલક સાથે મિકેનિક ગઠિયાએ છેતરપિંડીથી 5 હજાર લૂંટી લેતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર: ગાંધીનગરમાં એક નવી ગેન્ગ સક્રિય બની છે. આ ગેંગના સભ્યો કાર મિકેનિક છે અને વિવિધ ખામી બતાવી ફોરવ્હિલર વાહનચાલકોને છેતરી રૃપિયા પડાવી રહ્યાં છે. સેક્ટર-૩૦માં આજે સવારે બનેલા એક બનાવના કારણે એક વાહનચાલકે ૫૦૦૦ રૃપિયા ગુમાવ્યા છે. વિગત એવી છે કે એક વાહનચાલક કોઇ સ્નેહીજનનું અવસાન થતાં સેક્ટર-૩૦માં આવેલા અંતિમધામ જઇ રહ્યાં હતા. આ ધામ પાસે એક બાઇકચાલકે બૂમો પાડીને ગાડી ઉભી રખાવી અને કહ્યું કે તમારી ગાડીનો ઓઇલ પમ્પ તૂટી ગયો છે અને રસ્તામાં ઓઇલ ઢોળાય છે. ગાડી ઉભી રાખી તેણે મિકેનિકની ઓળખ અને આપી અને કહ્યું કે હું અંતિમ ધામ પાસે ગેરેજમાં કામ કરૃં છું. ગાડીનું બોનેટ ખોલો હું ચેક કરી આપું... મિકેનિક હોવાથી તેણે ઓઇલ ચેકીંગમાં ગરબડી કરી વાહનચાલકને કહ્યું કે ઓઇલ પમ્પ અને ઓઇલના મળીને ૫૦૦૦ રૃપિયા આપો, મારી પાસે પાના-પક્કડ છે, હું ઓઇલ અને પમ્પ લઇને આવું છું. મને મજૂરીના ૧૦૦ રૃપિયા આપી દેજો. વાહનચાલકને એમ કે આ વ્યવસ્થિત વ્યક્તિ છે તેથી તેના હાથમાં ૫૦૦૦ રૃપિયા આપ્યા અને મિકેનિકે કહ્યું તમે અહીં ઉભા રહો, પાંચ મિનિટમાં હું લઇને આવું છું, પરંતુ એક કલાક સુધી રાહ જોયા પછી પણ મિકેનિક નહીં આવતાં વાહનચાલકને છેતરાયાનો અહેસાસ થયો. આ કિસ્સા પછી જ્યારે વાહનચાલકે બાજુના ઝૂંપડામાં રહેતા એક ભાઇને પૂછયું તો તેમણે કહ્યું કે વાહનચાલકોને છેતરાવાના અનેક કિસ્સા આ માર્ગ પર બને છે પરંતુ લોકો છેતરાય છે તેથી પોલીસ ફરિયાદ કરતાં શરમ અનુભવે છે. તમારી સાથે પણ આવું જ બન્યું છે. વાહનચાલકે થોડીવાર પછી ગાડીનું ઓઇલ ચેક કરતાં તે બરાબર જણાયું હતું અને કોઇ જગ્યાએ ઓઇલ ઢોળાયું પણ ન હતું. જો કે તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે.

(7:54 pm IST)