Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

અગસ્ત ક્રાંતિ ટ્રેનના એન્જિન સાથે પિલર અથડાવવાના મામલે દિલ્હીમાં ઘેરા પડઘા

સેન્ટ્રલ આઈ.બી અહિત ગુજરાત એ.ટી.એસની ટીમ વલસાડ પહોંચી

ફોટો kranti

વલસાડ :  ગઈ તારીખ 14 ના રોજ વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર કમ્પાઉન્ડ વોલ માટે વપરાતા સિમેન્ટનું પિલર કોઈએ મૂક્યું હતું. આ સમયે અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ હતી. અને ટ્રેનના એન્જિન સાથે પિલર ઠોકાઈને ફેંકાઈ ગયું હતું. જેથી ટ્રેનના ચાલકએ અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. મામલાની ગંભીરતા જોતા સ્ટેશન માસ્તરએ તાત્કાલિક ઉચ્ચ કક્ષાએ જાણ કરી હતી. અને વલસાડ પોલીસ સહિત રેલવે પોલીસ, જી.આર.પીની ટીમ સ્થળ ઉપર દોડી આવી તપાસ શરૂ કરી હતી. તો બીજી બાજુ સુરત રેન્જ આઈ.જી રાજકુમાર પાંડિયન પણ સ્થળ ઉપર ધસી આવ્યા હતા. સ્થળ તપાસ કરીને અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

આ એક મોટી ઘટના હોવાથી મામલો છેક દિલ્હી સુધી પહોંચી હતી. જેથી સેન્ટ્રલ આઈ.બી સહિત ગુજરાત એ.ટી.એસની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ હતી. બીજા જ દિવસે સેન્ટ્રલ આઈ.બી અહિત ગુજરાત એ.ટી.એસની ટીમ વલસાડ આવી પહોંચી હતી. અને તપાસ શરૂ કરી હતી. તો બીજી બાજુ વલસાડ જિલ્લા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. વલસાડ.એસ.ઓ.જી સહિત એલ.સી.બીની ટીમએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. નજીકમાં રહેતા તમામ લોકોની પૂછપરછ કરી હતી. કોઈપણ કડી ચૂકાય ન જાય એ માટે પી.આઈ કક્ષાના અધિકારીઓ ખુદ પૂછપરછમાં જોડાયા હતા.

સદનસીબે ટ્રેન ઈન્જીનની ટક્કરથી પિલર ઉડી ગયો હતો.પરંતુ આજ જો વજનદાર પિલર હોત તો ખુબજ મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હોવાથી આ મામલાને આતંકવાદી ગતિવિધિના દ્રષ્ટિકોણથી જોવાઈ રહ્યો છે. તો આજે પરત ગુજરાત એ.ટી.એસ અને સેન્ટ્રલ આઈ.બી ની ટીમે વલસાડમાં ધામા નાખ્યા છે. અને ઘટના સ્થળની મુલાકાત લીધી છે. તો સુત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ કરી રહેલી ટીમને આ મામલામાં મહત્વના ઈનપુટ મળ્યા છે. અને એ દિશામાં તપાસ તેજ કરી છે. આ બાબતે વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે તેઓ ચોક્કસ ઠેકાણા સુધી પહોંચ્યા છે. પરંતુ થોડી ઉલટ તપાસ ચાલી રહી છે અને શક્ય છે કે ટૂંક સમયમાં આ સમગ્ર મામલાની ગુથ્થી ઉકેલવામાં તેમને સફળતા મળશે.

(7:18 pm IST)