Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

રાજપીપળામાં ભુગર્ભ ગટરની કામગીરીનું સાંસદ મનસુખભાઇ વસાવાએ પાલિકા પ્રમુખ અને ઇજનેરો સાથે નિરીક્ષણ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી બાબતે ઘણા શહેરીજનોમાં પ્રશ્ન ઉઠ્યા હતા કે અગાઉની માફક હાલની આ યોજના પણ સક્સેસ જશે કે નહીં અને અત્યાર સુધી જે જે વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી પુરી થઈ છે તેવા કેટલાક વિસ્તારોમાં સાંસદ મનસુખભાઇ વસાવા,ભાજપ અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ,નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડીયા સાહિત એજન્સીના ઈજનેર અને તેમની ટેક્નિકલ ટિમ સાથે મુલાકાત લઈ પૂર્ણ થયેલી અન્ડરગ્રાઉન્ડ કામગીરીના લેવલિંગ બાબતે વિઝીટ કરી ટેન્કર મારફતે ગટરની લાઈનોમાં પાણી નાંખી રાજેન્દ્રનગર સોસાયટીમાં નિરીક્ષણ કરી સાંસદે કામ કરતી એજન્સીના ઇજનેરોને જરૂરી સૂચના આપી હતી.

 આ બાબતે મીડિયા સાથે વાત કરતા મનસુખભાઇ એ જણાવ્યું કે અમે ભુગર્ભ ગટરના કામનું નિરીક્ષણ આજે કર્યું છે જેમાં યોગ્ય કામગીરી થઈ હોવાનું જોવા મળ્યું છે,હજુ નાગરિકોના કોઈ સૂચનો કે નાની મોટી ક્ષતિ જણાશે તો અમે આ બાબતે પણ એજન્સીનું ધ્યાન દોરીશું સાથે સાથે ભૂગર્ભ ગટરના દરેક ઘરના કનેક્શન મફત આપવામાં આવશે તેમ પણ મનસુખભાઇ વસાવા એ જણાવ્યું હતું.
પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે આ તબક્કે જણાવ્યું કે કેટલાક લોકોને મનમાં શંકા હતી કે ભૂગર્ભ ગટર ની કામગીરી સફળ થશે કે નહીં માટે અમે આજે સાંસદ ની હાજરીમાં ગટર ના અન્ડરગ્રાઉન્ડ ભૂંગળા માં પાણી નાંખી ટેસ્ટિંગ કર્યું અને તેનો યોગ્ય રીતે નિકાલ થતો જોવા મળ્યો છે.

(11:14 pm IST)