Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

કામરેજના ઘલા ગામે તાપી નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન સામે સુરત જિલ્લા એલસીબીની ટીમની કાર્યવાહી

પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિને ઝડપી પાડી 4 યાંત્રિક બોટ 16 લાખ અને પાઇપલાઇન અને અન્ય સમગ્ર કિંમત રૂ. 2.80 લાખ મળી કુલ 18.80 લાખનો સામાન કબ્જે કર્યો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામે તાપી નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન સામે સુરત જિલ્લા એલસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિને ઝડપી પાડી 18.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીની ટીમ શુક્રવારના રોજ પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કામરેજ તાલુકાના ઘલા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે.

જે બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. સ્થળ પર હાજર સોયેબ ઉસ્માન શેખ (રહે ઘલા, તા. કામરેજ) પાસે લીઝનો પરવાનો માંગ્યો હતો. પરંતુ તેની પાસે પરવાનો ન હોવાનું જણાવ્યું હતું.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ત્યાં આવેલા ચાર પટ્ટા પર ગેરકાયદે રેતી ખનન ચાલુ હતું. જેમાં સોએબ ઉસ્માન શેખના બે પટ્ટા છે. જ્યારે એક પટ્ટો નવીન છગન પટેલ અને એક પટ્ટો ઇમરાન રહીમ પઠાણનો છે. પોલીસે સ્થળ પરથી 4 યાંત્રિક બોટ 16 લાખ અને પાઇપલાઇન અને અન્ય સમગ્ર કિંમત રૂ. 2.80 લાખ મળી કુલ 18.80 લાખનો સામાન કબ્જે કર્યો હતો.

(9:39 pm IST)