Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

અવલોકનથી પ્રભાવિત થયા વિના ટ્રાયલનો આદેશ

ત્રણ વર્ષ મોટી પ્રેમિકાએ રેપનો આરોપ લગાવ્યો હતો : આ કેસ ડાંગનો છે કે જ્યાં સાપુતારા પોલીસ સ્ટેશનમાં અરજદાર યુવક સામે રેપની ફરિયાદ નોંધાઈ હતી

અમદાવાદ , તા.૨૮ : ૨૭ વર્ષની પ્રેમિકા અને ૨૪ વર્ષના પ્રેમીના કિસ્સામાં રેપનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ મોટી પ્રેમિકા પર પ્રેમી દ્વારા સતત ૫ વર્ષ સુધી રેપ કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પ્રેમીએ પેન્ડિંગ ટ્રાયલ દરમિયાન જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે આરોપીના જામીન મંજૂર કરીને ટ્રાયલ કોર્ટને તાકીદ કરવામાં આવી છે કે કોર્ટ હાઈકોર્ટના પ્રથમદર્શી અવલોકનથી પ્રભાવિત થયા વિના ટ્રાયલ ચલાવે. આ કેસ ડાંગનો છે કે જ્યાં સાપુતારા પોલીસ સ્ટેશનમાં અરજદાર યુવક સામે રેપની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં યુવકને નીચલી કોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યા બાદ આ અંગે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં કોર્ટે તેના જામીન મંજૂર કર્યા છે. આ મામલે આરોપીએ હાઈકોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવામાં આવ્યો છે, પોતાનો બચાવ કરતા યુવકે જણાવ્યું કે જ્યારે રેપોન આક્ષેપ કરવામાં આવ્યો છે તે સમયગાળો ૨૦૧૫થી ૨૦૨૦ સુધીનો છે. જ્યારે પીડિતાની ઉંમર ૨૭ વર્ષની છે અને તે બન્ને છેલ્લા સાત વર્ષથી ગાઢ પ્રેમમાં છે. તેઓ લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ કોરોનાની સ્થિતિના કારણે વતન પરત જવાની ફરજ પડી હતી. આરોપીએ જણાવ્યું કે તેણે ક્યારેય ખોટા વાયદા કે લોભલાલચ આપીને સંબંધ રાખ્યા નથી. આ સિવાય ફરિયાદ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ હોવાથી આરોપીને જામીન અરજી પર મૂક્ત કરવાની માગણી કોર્ટમાં કરવામાં આવી હતી. બીજી તરફ સરકારી વકીલે જામીનનો વિરોધ કરીને પોતાની રજૂઆત કરી હતી. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન આપવાનો નિર્ણય લીધો હતો. ફરિયાદીએ પણ સ્વીકારી હતું કે તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતો અને સોગંદનામામાં પણ સ્પષ્ટ કર્યું હતું કે જો યુવકને જામીન આપવામાં આવે તો વાંધો નથી, આમ તમામ દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતા.

(9:11 pm IST)