Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જમીન સંપાદન મામલે 6 ગામના લોકો માટે 6 ગોકુળ ગામ બનાવવા સરકારની તૈયારી

વિવાદનું સુખદ સમાધાનકારી વલણથી નિરાકરણ આવે તેવી હાઈકોર્ટે ટકોર કરી

 

અમદાવાદ : સ્ટેચ્યૂ ઓફ યુનિટી જમીન સંપાદન મામલે 6 ગામના લોકો માટે 6 ગોકુળ ગામ બનાવવા સરકારે તૈયારી બતાવી છે. સરકારે કોર્ટને જણાવ્યું હતું કે 6 ગામના લોકો માટે માત્ર એક ગોકુળ ગામ નહીં 6 ગોકુળ ગામ બનાવવા પણ સરકારની તૈયારી છે

  અરજદારો જો વાટાઘાટ માટે તૈયાર હોય તો કોર્ટ સમિતિની રચના કરવા પણ નિર્દેશો આપી શકે અને વિવાદનું સુખદ સમાધાનકારી વલણથી નિરાકરણ આવે તેવી હાઈકોર્ટે ટકોર કરી હતી.
અગાઉની સુનાવણીમા ખેડૂતો દ્વારા સરકારે કરેલ વળતરના પ્રસ્તાવ સામે જવાબ રજૂ કરવામાં આવ્યો. જેમાં ખેતીની જમીન સામે તેમના ગામમાં ખેતી માટે જમીન અને રહેવા માટે ઘર અને સ્વરોજગારી આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે. સરકારે રહેવા માટે 100 સ્કવેર મીટર જગ્યા આપવા તૈયાર બતાવી હતી પરંતુ ગામના લોકોએ 500 સ્કવરે મીટર જગ્યાની માંગણી કરી હતી. સરકારે ખેડૂતો દ્વારા કરાયેલ માંગણી માન્ય રાખી ના હતી.

  નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકાના 4 ગામ જેમાં નવ ગામ, વાગડીયા, ગોરા, અને કોઠી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પાસે આવેલા . ગ્રામજનોએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા ટુરિઝમ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરાઈ હતી. જેમાં યોગ્ય વળતર ચૂકવાયા નથી. જે બાબતને ધ્યાને લેતા કોર્ટે સરકારને જમીન પર હાલ કોઈ બાંધકામ અને કાર્યવાહી કરવા વચગાળાનો આદેશ કર્યો હતો.

 

(10:47 pm IST)