Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સામાન્ય સભામાં સીએએ મામલામાં હોબાળો

ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો બાખડયા : વિવાદ વચ્ચે સભા બરખાસ્ત : વડાપ્રધાન અને ગૃહમંત્રીને ગોળી મારવા કહેવામાં આવે ત્યાં ખેડાવાલા પહોંચ્યા હતા

અમદાવાદ,તા. ૨૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે સીએએને લઈ વિપક્ષ કોંગ્રેસે જોરદાર હોબાળો મચાવ્યો હતો. જો કે, મ્યુનિસિપલ ભાજપના નેતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, દિલ્હીના શાહીનબાગના જે મંચ પરથી દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીને ગોળી મારી દેવાની વાત કરવામાં આવે છે તેવા મંચ પર જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સીએએના વિરોધમાં દિલ્લી શાહીનબાગ ખાતે ગયા હતા, જે રાષ્ટ્રવિરોધી માનસિકતા છતી કરે છે, જેને લઇ આજે મ્યુનિસિપલ બોર્ડની સભામાં વાતાવરણ ગરમાયુ હતુ અને બંને પક્ષે જોરદાર ગરમાગરમી અને ચકમક ઝરી હતી. વાત એટલી હદ સુધી વણસી હતી કે, ભારે હોબાળા અને હંગામાને લઇ સામાન્ય સભા બરખાસ્ત કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામ સામે આવી ગયા હતા અને રીતસરના બાખડયા હતા.

         કોંગ્રેસે સીએએના વિરોધમં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો, ભાજપના સભ્યોએ સીએએના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.  જેને લઇ વાતાવરણ ગરમાયું હતું. મ્યુનિસિપલ બોર્ડની આજની સભામાં શાહઆલમના તાજેતરના તોફાનો દરમ્યાન જેલમાં ધકેલાયેલા કોંગ્રેસના કોર્પોરેટર શેહઝાદખાન પઠાણને પાંચ કલાકના જામીન અપાયા હોઇ પોલીસે તેને લોખંડી બંદોબસ્ત વચ્ચે સભામાં હાજરી આપવા માટે રજૂ કર્યો હતો. જો કે, સભામાં ભારે હંગામો થયા બાદ સભા બરખાસ્ત થતાં પોલીસ શેહઝાદખાન પઠાણને લઇ રવાના થઇ ગઇ હતી.

          આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં શોક ઠરાવ બાદ મ્યુનિ. ભાજપના નેતા અમિત શાહ બોલવા ઊભા થયા હતા. અમિત શાહે કહ્યું હતું કે, બહુ દુઃખની વાત છે કે જે મંચ પરથી દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીને ગોળી મારી દેવાની વાત કરવામાં આવે છે તેવા મંચ પર આ ગૃહના સભ્ય ઇમરાન ખેડાવાલા દિલ્લી શાહીનબાગ ખાતે સીએએના વિરોધમાં ગયા હતા. આટલું કહેતા જ ભાજપના સભ્યો ઊભા થઇ હાથમાં વી સપોર્ટ સીએએના બેનર લઈ ઊભા થઇ ગયા હતા. ઈમરાન ખેડાવાલા બોલવા જતાં બંને પક્ષના સભ્યો સામ સામે આવી ગયા હતા.

          કોંગ્રેસના સભ્યોએ ભાજપના સભ્યોના હાથમાંથી કાગળો લઈ ફાડી નાખ્યા હતા. જેને લઇ મામલો વણસ્યો હતો અને એક તબક્કે ભાજપ અને કોંગ્રેસના સભ્યો રીતસરના બાખડયા હતા. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે મેં કોઈ સ્પીચ નથી આપી ત્યાં હું ત્યાં માત્ર લોકશાહી બચાવો એવા નારા જ લગાવ્યા છે. મારી સ્પીચ હતી જ નહીં તેવો લૂલો બચાવ કર્યો હતો.

(8:38 pm IST)