Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમદાવાદ સહિત રાજ્યના ૪ એરપોર્ટ પર હેલ્થ એલર્ટ

ગુજરાતમાં ૧૦ લોકો હાલ બાજ નજર હેઠળ છે : અમદાવાદના ૪, વડોદરાના ૨ લોકો ૧૦ લોકોમાં સામેલ

અમદાવાદ, તા. ૨૯ : ચીનમાં હાલના દિવસોમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવ્યો છે. આને લઈને ગુજરાત સહિત દેશભરમાં ભારે સાવચેતી રાખવામાં આવી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના ચાર એરપોર્ટ પર હેલ્થ એલર્ટ ડિસપ્લે મુકવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ચીનથી પરત થયેલા ગુજરાતના ૧૦ લોકોને બાજ નજર હેઠળ રાખવામાં આવ્યા છે. આમાથી અમદાવાદના ૪, વડોદરાના ૨, સુરત, રાજકોટ, આણંદ અને જુનાગઢના એક એક લોકોનો સમાવેશ થાય છે. રાજ્યના આરોગ્યના અધિકારીઓ પણ જોરદાર રીતે સક્રિય થયેલા છે. જોકે, આ તમામ દસમાં કોરાના વાયરસના લક્ષણ નથી. તમામ યાત્રીઓને જિલ્લા સર્વેલેક્ષ અધિકારી તથા કોર્પોરેશન સર્વેલેક્ષ અધિકારીઓની તરફથી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કોઈપણ યાત્રીને તકલીફ દેખાઈ રહી નથી. વાયરસના લક્ષણો કોઈમાં પણ દેખાયા નથી. જોકે આગામી ૨૮ દિવસ સુધી આ લોકોને નજર હેઠળ રાખવામાં આવશે.

         આગામી દિવસોમાં વાયરસના કોઈ પણ લક્ષણ દેખાશે તો તરત જ આઈસોલેશન વોર્ડમાં લઈ જવામાં આવશે. આરોગ્ય વિભાગનું કહેવુ છે કે ભયભીત થવાની કોઈ જરૂર નથી, દેશના એવા તમામ એરપોર્ટ પર એન્ટ્રી સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવી છે. જ્યાં ચીનથી ફ્લાઇટો આવે છે. આ ઉપરાંત સાવચેતી માટે અમદાવાદ સહિત ૧૨ એરપોર્ટ એવા છે કે, સાઈને જેજ ડિસપ્લે અને સેલ્ફ રિપોર્ટીંગની સુચના આપવામાં આવી છે. અમદાવાદ વિમાની મથકના ટર્મીનલ ૧ અને ૨ પર હેલ્થ એલર્ટ ડિસપ્લે લગાવવામાં આવ્યા છે. ઉપરાંત રાજકોટ, સુરત અને વડોદરા વિમાની મથકે પર એરપોર્ટ ઉપર પર હેલ્થ એલર્ટ ડિસપ્લે મુકવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મેડિકલ, એમ્બુલન્સ ટીમ સક્રીય છે.

(8:33 pm IST)