Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ભારત બંધના એલાનને નર્મદા જિલ્લામાં બીટીપીના સમર્થનમાં ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં ભારે પ્રતિસાદ

CAA NRCના વિરોધમા આપેલ બંધના એલાનને ડેડીયાપાડા સહિત વિસ્તારોમાં બીટીપીના સમર્થનમાં દુકાનો,બજારો બંધ :સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોઈના સમર્થનમાં નહિ પણ પોતાની લડાઈ માટે આદિવાસીઓએ બંધ પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે ભારત બંધના એલાનને પગલે નર્મદા જિલ્લામા ભીલીસ્થાન ટાઈગર સેના એ CAA NRCના વિરોધમા જિલ્લામાં એક દિવસીય બંધના એલાનની જાહેરાત કરતા પોલીસ તંત્રમા પણ ખડે પગે રહ્યું હતું સમગ્ર જિલ્લામાં આપેલા બંધને પગલે ડેડીયાપાડા સહિતના વિસ્તરમાં મોટાભાગની દુકાનો સહિત બજારો બંધ જોવા મળ્યા હતા બીટીપીએ આપેલા બંધને મોટો પ્રતિસાદ મળ્યો હતો જ્યારે મુખ્ય મથક રાજપીપળામાં બંધની કોઈ અસર જોવા ન મળી હતી.તમામ દુકાનો રાબેતા મુજબ ચાલુ હતી.

  દેશમાં વિવિધ સંગઠનો તેમજ રાજકીય પાર્ટીઓ દ્વારા ઠેર ઠેર CAA NRCનો ભારે વિરોધ નોધાવી વિવિધ સ્થળોએ જલદ વિરોધ પ્રદર્શન કરી ધરણા કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા CAA NRC ની દેશમાં અમલવારીને લઈને ગતિવિધિની શરૂઆત કરાતાની સાથે જ દેશમાં ઠેર ઠેર સરકાર સામે વિરોધનો સુર ઉઠી સાથે રોષ ભભુકી ઉઠ્યો છે.ત્યારે નર્મદા જિલ્લામા બીટીપી દ્વારા સમગ્ર જિલ્લામાં CAA, NRC, NPR,EVR સહિતના કાયદાના વિરોધમાં તા.૨૯ જાન્યુઆરીના રોજ બંધનુ એલાન આપવામાં આવ્યું હતું જેને પગલે ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં વેપારીઓ સહિત વિવિધ દુકાનદારો એ બંધને સમર્થન આપ્યુ હતુ અને તમામ વેપારીઓ બંધમા જોડાઈને દુકાનો બંધ રાખી હતી બીટીપી દ્વારા અપાયેલા બંધને પગલે સમગ્ર જિલ્લાના ડેડીયાપાડા,સાગબારા,સેલંબા,કેવડિયા સહિતના વિસ્તારોમાં બંધને ભારે સમર્થન મળ્યું હતું પરંતુ જીલ્લા ના વડા મથક રાજપીપળા ખાતે આ બંધ ની કોઈ અસર જોવા ન મળી અને તમામ દુકાનો બજાર રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.

  જોકે જાણવા મળ્યા મુજબ આજે ભારત બંધના એલાનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોઈના સમર્થનમાં નહિ પણ પોતાની લડાઈ માટે આદિવાસીઓએ બંધ પાડ્યો હતો.જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ લારી ગલ્લા દુકાનો બંધ રહેતા પ્રવાસીઓ અટવાયા હતા.ખાણી પીણી માટે તંગી જોવા મળી હોવાનું જાણવા મળ્યું હતું.

  સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારીગલ્લા અને દુકાનો ચલાવતા સ્થાનિક આદિવાસીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી એક વિરોધ નોંધાવ્યો હતો, એક બાજુ CAA અને NRCA ને લઈને ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે અહીંયા કોઈ નિયમ કે કાયદાના સમર્થનમાં નથી સમજતા પણ જે કેવડિયાનો કાળો કાયદો બનાવ્યો છે. આ કાયદાની આડ હેઠળ આદિવાસીઓની જમીન લઇ લેવાનો કારશો સરકારે રચ્યો છે જેના વિરોધમાં સ્થાનિકોએ બંધ પાડ્યો હતો.

(7:49 pm IST)