Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

રાજ્યમાં બંધના એલાનને અંતે નિષ્ફળતા : લોકો જોડાયા નહીં

સુરતના મસ્જિદ વિસ્તારમાં તણાવગ્રસ્ત માહોલ : ગુજરાતના કેટલાક ભાગોમાં હિંસા : સુરતમાં પથ્થરમારો, બગોદરાથી બાવળા હાઈવે પર ટાયરો સળગાવીને દેખાવો

અમદાવાદ,તા.૨૯ : સીએએ અને એનઆરસીના વિરોધમાં અપાયેલા ભારત બંધની અસર ગુજરાતમાં નહિવત જોવા મળી હતી. રાજયના મોટાભાગના જિલ્લા અને વિસ્તારોમાં બંધનું એલાન મહ્દઅંશે નિષ્ફળ રહ્યું હતું. લોકોએ સ્વૈચ્છિક રીતે જ બંધમાં જોડાવાનું ટાળ્યું હતું, જે સીધી રીતે સીએએએ અને એનઆરસીને સમર્થન દર્શાવતુ હતું. આજે સુરતમાં બંધના મુદ્દે લિંબાયત વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. જ્યારે વડોદરામાં દુકાનો બંધ કરવા નીકળેલા ટોળાને પોલીસે વિખેરી નાખી ચાર લોકોની અટકાયત કરી હતી. તો, અમદાવાદ અને રાજકોટમાં બંધની કોઇ ખાસ અસર વર્તાઇ ન હતી. સમગ્ર જનજીવન અને ધંધા-રોજગાર અને નોકરી-વ્યાપાર રાબેતામુજબ ધમધમતા રહ્યા હતા.

             અમદાવાદમાં જમાલપુર, ખાનપુર, ગોમતીપુર, રખિયાલ સહિતના વિસ્તારોમાં   દેખાવો, રેલી અને વિરોધ પ્રદર્શન યોજી સીએએ-એનઆરસીનો વિરોધ કર્યો હતો. રાજયમાં ખાસ કરીને કેટલાક મુસ્લિમ વિસ્તારોમાં જ બંધની અસર અને એ પણ નહીવત્ અસર જોવા મળી હતી. સુરતમાં એનઆરસી અને સીએએના વિરોધમાં ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી. દરમ્યાન લીંબાયતમાં મદિના મસ્જીદ વિસ્તારમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પથ્થરમારામાં એક પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયો હતો. જો કે, પોલીસ દ્વારા પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડોદરા શહેરના નવાયાર્ડ ફૂલવાડી વિસ્તારમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી. બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરો દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા અને લોકોને બંધમાં જોડાવવા માટે અપીલ કરી હતી. જમીયતે ઉલ્માએ હિંદ સંસ્થા દ્વારા સીએએ અને એનઆરસીના વિરોધમાં અપાયેલા બંધના એલાનને પગલે ભરૂચમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

          ભરૂચના પશ્ચિમ વિસ્તારની દુકાનો આજે બંધ રહી હતી. આ ઉપરાંત બાળકોની સલામતીને ધ્યાને રાખીને પશ્ચિમ વિસ્તારની સ્કૂલો પણ બંધ રહી હતી અને એપીએમસીના વેપારીઓએ પણ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો તો, વડોદરા શહેરમાં પણ બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા હતા. વડોદરામાં કેટલીક દુકાનો બંધ રહી હતી, ત્યારે પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. દરમ્યાન બગોદરાથી બાવળા હાઈવે ઉપર સર્વોદય હોટલવાળા રોડ પર ભારત બંધના સંદર્ભે ટાયરો સળગાવીને રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોના ટોળાઓને વિખેરી નાખ્યા હતા. અમદાવાદ અને રાજકોટમાં તો બંધની કોઇ અસર જોવા મળી ન હતી, તમામ વિસ્તારોમાં શાળા, કોલેજો તેમજ દુકાનો ચાલુ હ્યા હતા. બંધના એલાનને પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલીંગ વધારી દીધું હતું.

(7:41 pm IST)