Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ગુજરાતમાં આયકર વસુલાતમાં ૪૦ ટકાની ઘટ : હવે કડક કાર્યવાહી

ગુજરાતમાં ૬૦ હજાર કરોડના લક્ષ્યાંક સામે ૩૬૮૦૦ કરોડની આવક : વડોદરામાં ૬૪૦૦ કરોડ સામે ૩૬૦૦ તો રાજકોટમાં ૩૨૦૦ કરોડ સામે ૧૨૯૦ કરોડની વસુલાત થઇ : હવે સર્વે અને સર્ચની કામગીરી ગતિ પકડશે : દર વર્ષની જેમ નિર્ધારીત લક્ષ્યાંક સુધી પહોંચી શકાશે

અમદાવાદ તા. ૨૯ : ભારત સરકારના નાણા વિભાગ દ્વારા ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે ઇન્કમટેકસ વિભાગને નિર્ધારીત લક્ષ્યાંક કર વસુલાત માટે આપેલ પરંતુ હાલ ૪૦ ટકા જેટલી ઘટ હોવાનું જાણવા મળે છે.

આયકર વિભાગને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ એકસીસ (સીબીડીટી)એ ભારત દેશના તમામ રાજ્યો અને તેના પ્રાદેશીક વિભાગને ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેમાં ઓલ ઓવર ગુજરાત રાજ્યમાં ૬૦ હજાર કરોડના લક્ષ્યાંક સામે ડિસેમ્બર અંત સુધીમાં અંદાજે ૩૬૦૦૦ કરોડનો કર વસુલાત થવા પામી હોવાનું જાણવા મળે છે.

આવક વેરા વિભાગને ગુજરાત રાજ્યમાં અંદાજે ૪૦ ટકા જેવી ઘટ કર વસુલાતમાં પડતા હવે સર્ચ અને સર્વેની કામગીરી વેગવાન બનાવાશે.

રાજકોટ રીજીન્યુઅલ કચેરીને ૩૨૦૦ કરોડના લક્ષ્યાંક સામે ડિસેમ્બર સુધીમાં ૧૨૯૦ કરોડનો કર વસુલાત પટે કર વસુલાત થઇ છે. જ્યારે વડોદરામાં ૬૪૦૦ કરોડના લક્ષ્યાંક સામે ૩૬૦૦ કરોડની વસુલાત આવકવેરા વિભાગે કરી છે.

આવક વેરા વિભાગને કર વસુલાતમાં ઓલ ઇન્ડિયા લેવલે પણ ઘટ આવી છે પરંતુ આવકવેરા વિભાગના સૂત્રો કહે છે કે, નિર્ધારીત લક્ષ્યાંક નજીક ચોક્કસ પહોંચી શકાશે. જાન્યુઆરી - ફેબ્રુઆરી અને માર્ચ માસમાં પણ દર વર્ષે મોટી રકમની કર વસુલાત થતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સીબીડીટીના નિર્ધારીત લક્ષ્યાંક નજીક પહોંચી શકાશે.

સંજોગોમાં હવે નિયમિત સરવે શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત રિકવરી સરવે ઉપર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે. રિકવરી સરવે જે કરદાતાઓના રૂ.૧૦ લાખ કે તેથી વધુ રકમ બાકી હોય તેમને ત્યાં કરવામાં આવી રહ્યા છે. બિલ્ડર,કોન્ટ્રાકટર, ઉદ્યોગપતિઓ તથા કેટલાક કોર્પોરેટ કરદાતાઓના બાકી ટેકસને વસૂલવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેટ ટેકસમાં કરાયેલો ઘટાડો તથા બીજી તરફ ઔદ્યોગિક મંદી છે ત્યારે લક્ષ્યાંક પૂરેપૂરો સિધ્ધ ન થાય તો કાંઇ નહિ પણ તેની નજીક વસૂલાત ઝડપથી કરવા માટે તંત્ર હાલમાં કામે લાગ્યું છે. જેના ભાગ રૂપે તાજેતરમાં નોટબંધીમાં જંગી નાણાં જમા કરનારાઓને નોટિસો આપવામાં આવી હતી.

હવે રિકવરી સરવે અને નિયમિત સરવે તેમજ દરોડાઓ પણ આગળ ધપશે. શહેરમાં ગત સપ્તાહમાં ઝવેરી સિકયુરિટી તથા અવની પેટેકેમ ખાતે દરોડા દરમિયાન જંગી કરચોરીને લગતા દસ્તાવેજો પણ જપ્ત થયા છે. જોકે ખરેખર કરચોરીની વિગતો દસ્તાવેજોના ક્રોસ ચેકિંગ પૂરુ થાય ત્યાર બાદ બહાર આવશે.

(1:41 pm IST)