Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સુરતના રત્ન કલાકાર બંધુઓની માત્ર ૩II વર્ષની પુત્રીઓ ઉંચુ જનરલ નોલેજ ધરાવે છે !

 ધોરાજી, તા. ૨૯ :. સુરત ખાતે રત્ન કલાકાર મૂળ સૌરાષ્ટ્રના મલય પટેલ અને આશિષ પટેલ બન્ને ભાઈઓની પુત્રીઓની ઉંમર માત્ર ૩II વર્ષ છે અને બાળકી સિયા પટેલ અને ફેની પટેલ પ્લે ગ્રુપમાં અભ્યાસ કરે છે. બન્ને બાળકીઓનું ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન જોઈને શિક્ષકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સામાન્ય રીતે સાડા ત્રણ વર્ષે બાળક માતા-પિતા અને પરિવારના સભ્યોને ઓળખતા અને બોલતા શીખે છે પરંતુ સુરતમાં ગીતાંજલી રો-હાઉસમાં રહેતા મલય અશોકભાઈ પટેલની સાડા ૩II વર્ષની પુત્રી સિયાનું આઈકયુ લેવલ ખૂબ ઉંચુ છે. તે આ ઉંમરમાં જ ભગવદ્ ગીતાના શ્લોક કડકડાટ બોલે છે. સંસ્કૃત ભાષા પર તેની ખૂબ જ સારી પકકડ છે. ઉપરાંત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું નોલેજ પણ છે. સિયા જ્યારે ગર્ભમાં હતી ત્યારે માતાએ ધાર્મિક પુસ્તકોનું વાંચન કર્યુ હતું. ઉપરાંત ભગવદ્ ગીતા રામાયણ અને મહાપુરૂષોના જીવન ચારીત્ર્ય અંગેના પુસ્તકોનું વાંચન કર્યુ હતુ. ગર્ભાવસ્થા દરમિયાન જ માતા-પિતા દ્વારા સંસ્કારોનું સિંચન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિયા જન્મના એક વર્ષમાં સ્પષ્ટ બોલતા શીખી ગઈ હતી. બાદમાં માતા-પિતા તેને દરરોજ એક કલાક ઘેર સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી ભાષાની તાલીમ આપતા હતા તેથી બે વર્ષની ઉંમરમાં સંસ્કૃતના શ્લોક બોલતા શીખી ગઈ હતી. આજે તે સ્પષ્ટ ઉચારણો સાથે શ્લોક બોલે છે. તે દરરોજ સૂતા પહેલા ૮ થી ૧૦ શ્લોક બોલે છે.

જન ગણ મન અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ... સુંદર સ્વરમાં ગાય છે. અઠવાડીયાના વારના નામ મહિનાઓના નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બોલે છે. સિયાનું જનરલ નોલેજ પણ જોરદાર છે. તે ભારતનું રાષ્ટ્રીય પક્ષી - પ્રાણીઓની ભાષા, ફુલો વગેરેની જાણકારી છે. વિશ્વના પ્રમુખો તેમજ ભારતના વડાપ્રધાન તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સહિતના લોકોના નામો - હોદા સાથે બોલે છે. આ અંગે સીયાને પૂછતા જણાવે છે કે તારે ભણીને શું કરવુ છે ? ત્યારે નાની સિયા કહે છે મારે આઈપીએસ બનવુ છે અને દેશ સેવા કરવી છે.

આ તકે રત્ન કલાકાર મલય પટેલે જણાવેલ કે મોટા ભાગના બાળકો આખો દિવસ મોબાઈલમાં રચ્યાપચ્યા રહેતા હોવાથી નાની ઉંમરમાં ચશ્મા આવે છે તેથી અમે નાનપણથી અમે સિયાને મોબાઈલથી દૂર રાખી છે. ઘેર આવતા સ્વજનોને સંસ્કૃતના શ્લોકો બોલી આવકારે છે. આ તકે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ભોલા સોલંકીએ સિયાને શુભેચ્છાઓ આપેલ હતી.

(1:23 pm IST)