Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

જીએસટી ઓડિટ રિપોર્ટ રજૂ કરવા માટે સમયમર્યાદા વધી

તંત્રના નિર્ણયને પગલે વેપારીઓને મોટી રાહતઃ ૨૮મી ફેબ્રુઆરી સુધીમાં આવા કોઇ ઓડિટ રિપોર્ટ રજૂ કરનાર સામે કોઇ દંડનીય કાર્યવાહી નહીં કરવામાં આવે

અમદાવાદ,તા.૨૯: જીએસટી હેઠળના ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની સમય મર્યાદામાં સરકાર દ્વારા વધુ એક વખત વધારો કરવામાં આવતા વેપારીઓને રાહત મળી છે. હવે તા.૨૮મી ફેબ્રુઆરી સુધીમાં આવા ઓડિટ રિપોર્ટ રજૂ કરનાર સામે કોઇ દંડનીય કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. એટલે કે, હવે  વેપારીઓને વધુ ૨૮ દિવસની મુદત ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટે મળી છે. જેને પગલે વેપારીઆલમમાં ભારે રાહતની લાગણી પ્રવર્તી છે. અગાઉ વિવિધ વેપારી મંડળો, ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, જાન્યુઆરી માસમાં જીએસટી કાયદા હેઠળના માસિક રિટર્ન ફોર્મ જીએસટીઆર-૧, જીએસટીઆર-૩બી તેમજ ત્રિમાસિક રિટર્ન ફોર્મ જીએસટીઆર-૧ રજૂ કરવાની કામગીરીમાં વેપારીઓ વ્યસ્ત રહેશે. જેના કારણે ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા ઉપર પૂરતું ધ્યાન આપી શકશે નહીં અને સમયસર રિપોર્ટ સબમિટ નહીં કરે તો દંડ ભરવો પડશે. તેથી વ્યાજબી મુશ્કેલીઓને ધ્યાને રાખીને વેપારીઓને એક મહિનાની મુદત આપવામાં આવે જેથી તેઓ જીએસટીઆર-૧, જીએસટીઆર-૩બી તેમજ ત્રિમાસિક રિટર્ન ફોર્મ જીએસટીઆર-૧ સમય મર્યાદામાં ભરીને વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કરવા માટે પૂરતો સમય મેળવી શકે. આ રજૂઆતોને ધ્યાનમાં લઇ આખરે તંત્ર દ્વારા જીએસટી  હેઠળના ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની સમયમર્યાદા લંબાવી હતી અને તા.૨૮મી ફેબ્રુઆરી સુધી આ રિપોર્ટ રજૂ કરવા વેપારીઓને સમય લંબાવી આપ્યો હતો. તંત્રના આ હકારાત્મક અભિગમ અને નિર્ણયને પગલે વેપારીઆલમમાં રાહતની લાગણી ફેલાઇ છે.

(10:05 pm IST)