Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

કિશોરીઓને કુપોષણ મુકત કરવા પૂર્ણ યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા ર૭૭ કરોડનો લાભ અપાયો : વિજયભાઇ રૂપાણી

૬ મહિનાથી માંડીને ૬ વર્ષના બાળકો સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓને રાજય સરકાર દ્વારા અપાતો પૂરક પોષક આહાર

ગાંધીનગર, તા. ર૯ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તંદુરસ્ત શકિતશાળી અને સશકત ભાવિ પેઢીના નિર્માણથી ગુજરાતને કૂપોષણ મુકત રાજય બનાવવાની કટિબદ્ઘતા દાખવતા રાજયવ્યાપી પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાનના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ કિશોરીઓમાં કૂપોષણ અને એનિમિયા નિયંત્રણ માટેની પૂર્ણા યોજના લોન્ચ કરી ર૭૭ કરોડ રૂપિયા ફાળવ્યા છે. વિજયભાઈ રૂપાણીનાં કૂપોષણ મુકત ગુજરાત સુપોષિત ગુજરાત બનાવવાનાં પ્રયત્નોથી બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ પોષણક્ષમ પૂરક પોષક આહાર મેળવીને દુનિયાના પડકારો ઝિલવા સક્ષમ બની છે. કૂપોષણ સમાજનું કલંક છે અને એ કલંકને ગુજરાતમાંથી નેસ્તનાબૂદ કરવાનો જંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છેડ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કૂપોષણ મુકિત માટે ર૮૦૦ કરોડ રૂપિયા જેટલું બજેટ ફાળવ્યું છે. સુમુલ ડેરી, બનાસ ડેરી અને અમૂલ ડેરી દ્વારા ટેક હોમ રાશન પ્લાન્ટથી પોષણયુકત આહાર ઉત્પાદન પ્રોસેસ કરીને આંગણવાડીઓ, સગર્ભા-ધાત્રી માતાઓને પહોચાડવામાં આવે છે. જે અંતર્ગત ૪૨ લાખ લાભાર્થીઓને દર મહિને ૧૬૦૦૦ મેટ્રિક ટન ટેક હોમ રાશન આપવાનું લક્ષ્ય છે. જેમાં ગુજરાતના સુરત, તાપી, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને મહિસાગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પૂરક પોષક આહાર ૦થી ૬ વર્ષના બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ અને કિશોરીઓને પૂરો પાડવા ગુજરાત સરકારે પારદર્શિ પધ્ધતિ વિકસાવી છે.ઙ્ગ

ગુજરાતના જે ૬થી ૭ જિલ્લાઓ પોષણ ક્ષમતામાં હજુ પણ પાછળ છે તેમના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા ત્યાંના બાળકો, સગર્ભા ધાત્રી માતાઓ અને કિશોરીઓની તંદુરસ્તી માટે મુખ્યમંત્રીશ્રીનું પોષણ અભિયાન ઉપયોગી બની રહ્યું છે. રાજયનું એકપણ બાળક કૂપોષિત ન રહે તે માટે પોષણ અભિયાનને એક ઝૂંબેશ તરીકે મુખ્યમંત્રીશ્રીએ આગળ વધાર્યું છે.ઙ્ગ ખેડૂત, આદિવાસી-વનબંધુ, સાગરખેડૂ, દલિત-શોષિત, વંચિતોને સૌના સાથ સૌના વિકાસના મંત્રથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમૃધ્ધ-સશકત બનાવી સુપોષિત ગુજરાત નિર્માણની નેમ દર્શાવી છે. કૂપોષણ મુકત ગુજરાત સુપોષિત ગુજરાતનાં સંકલ્પને સાકાર કરવાની દિશામાં રૂપાણી સરકાર અગ્રેસર છે.

(3:38 pm IST)