Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

કરજણના અરજદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી : વાગરા મામલતદાર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ

કરજણના અરજદારે આત્મવિલોપનની ચીમકી આપતા વાગરા મામલતદાર કચેરી પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાઈ જવા પામી હતી.બીજી તરફ પોલીસની સાથે વહીવટી તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી.સાથેજ અનિચ્છનીય ઘટનાને ટાળવા એમ્બ્યુલન્સ સહિતની મેડીકલ ટીમને સર્તક રાખવાની તંત્રને ફરજ પડી હતી.

  છેલા ત્રણ ચાર દિવસથી પડતી કડકડાટ ઠંડીને પગલે જનજીવન ઠુંઠવાઈ જવા પામ્યુ છે.ત્યાંજ કરજણના એક અરજદારે વાગરા મામલતદારના હુકમથી નારાજ થઇ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા સુસવાટા મારતી ઠંડીમાં પણ વાગરા મામલતદાર સંકુલના વાતાવરણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો હતો.અરજદારની જીવન સંકેલી લેવાની ધમકીને પગલે વહિવટીતંત્ર તેમજ પોલીસ કાફલામાં દોડધામ મચી જવા પામી હતી.

 આ અંગે મળતી વિગત મુજબ વાગરાના ભેરસમ ગ્રામ પંચાયત દફતરે ૫૧૭ સર્વેનંબર મગન ભીખાભાઈ સોલંકીના નામે ચાલે છે.જેમાં કરજણ તાલુકાના વીરજઈ ગામે રહેતા પ્રહલાદ રમણ સોલંકીએ વારસાઈ હક્કે નામ દાખલ કરવા અરજી કરી હતી.જે નામંજૂર થતા અરજદારે પ્રાંત કચેરીમાં દાદ માંગી હતી.જ્યાં પ્રાંત અધિકારીએ પણ સદર અપીલ નામંજૂર કરતા અરજદારે કલેકટર કાર્યાલયમાં ઘા નાંખી હતી.જેની સામે સુનાવણીને અંતે જીલ્લા સમાહર્તાએ અરજદારની અપીલ અરજીને અંશતઃ મંજુર કરી વાગરા મામલતદારને નવેસરથી નિર્ણય લેવા નિર્ણય આદેશ કર્યો હતો.

  વાગરા મામલતદારે વારસાઈ ના કિસ્સામાં તબક્કાવાર સુનાવણી હાથ ધરી હતી.જેમાં સદર કેસ સીવીલ કોર્ટમાં ચાલતો હોવાથી તેનો ચુકાદો આવે તે બન્નેવ પક્ષકારોને બંધનકર્તા રહેશે તેવો હુકમ કર્યો હતો. મામલતદારના હુકમ થી નારાજ થઇ અરજદાર પ્રહલાદ સોલંકીએ ગત ગુરુવારના રોજ રોષે ભરાઈને સોમવારના રોજ મામલતદાર કચેરીમાં આત્મવિલોપન કારશેની ચીમકી ઉચ્ચારી હતી.આત્મ વિલોપનની ધમકીને પગલે વાગરા મામલતદારે સંબંધિત તંત્રને લેખિતમાં સાવચેતીના પગલા ભરવા જાણ કરી હતી.

(8:47 am IST)