Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

અમદાવાદ મ્યુનિ.કમિનું ફેક એકાઉન્ટ બનાવીને ઠગાઇનો પ્રયાસ

સોશ્યલ મીડિયાના દૂરપયોગનો વધુ એક કિસ્સોઃ અજાણી વ્યકિતએ મ્યુનિ. કમિશનરના મિત્રો પાસે રૂપિયા ટ્રાન્સફર કરવાની રિકવેસ્ટ મોકલી : અંતે ખુલાસો કરાયો

અમદાવાદ,તા.૨૯, ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયાનો દૂરપયોગ કરનારા કંઇક કેટલાય ભેજાબાજ આ દુનિયામાં પડયા છે, અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે પરંતુ ખુદ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારના ફેસબુકનું ફેક એકાઉન્ટ બનાવી તેના મારફતે ઠગાઇનો પ્રયાસ થતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. અજાણી વ્યકતિએ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારના મિત્રો પાસે રૂપિયા ટ્રાન્સફર કરવાની રિકવેસ્ટ મોકલી હતી પરંતુ મુકેશકુમારને ખબર પડી જતાં તેમણે ખુલાસો કરતાં સમગ્ર કરતૂતનો પર્દાફાશ થયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કોઇ અજાણી વ્યકિતએ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારના નામનું ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવીને તેના પરથી અન્ય લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી અને સાથે સાથે મુકેશકુમારના કેટલાક મિત્રો પાસેથી પેટીએમથી નાણાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી. જો કે, કંઇ અનિચ્છનીય પરિણામ આવે તે પહેલાં જ સદ્ભાગ્યે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારના ધ્યાન પર ગઇકાલે રાત્રે આ સમગ્ર ઘટના આવી ગઇ હતી., જેથી તેમણે તરત જ પોતાના એફબી એકાઉન્ટની ફેસબુક વોલ પર ખુલાસો કરી દીધો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મને હમણાં જ મારા ફેક એકાઉન્ટની જાણ થઇ છે. મારા નામથી બનાવાયેલા ફેક એકાઉન્ટથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવાઇ છે તેમ જ કેટલાક પાસેથી પેટીએમથી રૂપિયા ટ્રાન્સફરની માંગણી પણ કરાઇ છે.  તો મહેરબાની કરીને આ એકાઉન્ટની ફેસબુકને જાણ કરશો અને આ પ્રકારની જાળમાં ફસાશો નહી. મુકેશકુમારે આ ફેક એકાઉન્ટને બ્લોક કરવાની સૂચના પણ સંબંધિત અધિકારીઓને આપી દીધી હતી. જો કે, આ ઘટનાએ ફરી એકવાર સોશ્યલ મીડિયાની સલામતી સામે ગંભીર સવાલો ઉઠાવવાની સાથે સાથે તેના દૂરપયોગનો વધુ એક કિસ્સો સામે લાવીને મૂકી દીધો છે. ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના આજના જમાનામાં હેકીંગ, વાયરસ, ટ્રેકીંગ સહિતના દૂષણો પણ માથાના દુખાવા સમાન બન્યા છે ત્યારે લોકોએ પણ ફેસબુક, ટ્વીટર જેવા સોશ્યલ મીડિયાના ઉપયોગને ખપ પૂરતો અને સાવધાનીપૂર્વક રાખવો એ જ નિષ્ણાતોની સલાહ છે.

(10:03 pm IST)