Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

મલ્ટિપ્લેક્સને ભડકે બાળવાના પ્રકરણમાં

મુખ્ય સૂત્રધારને બચાવનાર કોન્સ્ટેબલની સામે ફરિયાદ

પોપટસિંહે પોલીસની તમામ માહિતી રાજેન્દ્રસિંહને આપી હતી :બંને વચ્ચે વાતચીતની ટ્રાન્સ્ક્રીપ્ટ સપાટી પર આવી

અમદાવાદ,તા. ૨૯ :પદ્માવત ફિલ્મના વિરોધને લઇ ગઇકાલે મોડી સાંજે કરણી સેના અને રાજપૂત સમાજના કાર્યકરો સહિતના તોફાની ટોળાઓએ શહેરના હિમાલયા મોલ, અમદાવાદ વન મોલ અને એક્રોપોલિસ ખાતેના પીવીઆર સહિતના પાંચેક મલ્ટિપ્લેક્સ ખાતે ૧૦૧થી વધુ વાહનોમાં આગચંપી અને તોડફોડના ચકચારભર્યા પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર આરોપી એવા માસ્ટરમાઇન્ડ રાજેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે રાજભા વાઘેલાને બચાવનાર સાણંદના કોન્સ્ટેબલ પોપટસિંહ વાઘેલા વિરૃધ્ધ આખરે ફરિયાદ નોંધાઇ છે. પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, પોપટસિંહ વાઘેલાએ આરોપી રાજેન્દ્રસિંહની ધરપકડ માટે પોલીસ સાણંદ પહોંચે તે પહેલાં પોલીસની પૂરેપૂરી માહિતી રાજેન્દ્રસિંહને આપી દીધી હતી. ખુદ કોન્સ્ટેબલ પોપટસિંહની ીતમાં તે એવું કહેતો માલૂમ પડે છે કે, તમને કોઇ હાથ નહી લગાડે, તે તાકાત બહારની વાત છે. તમે આઘાપાછા થઇ જજો. બીજીબાજુ, મુખ્ય સૂત્રધાર આરોપી રાજેન્દ્રસિંહને આજે મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે દસ હજારના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટે નિયમિત પોલીસમથકમાં હાજરી સહિતની આકરી શરતો સાથે તેને જામીન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મલ્ટિપ્લેક્સને ભડકે બાળવાના પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રસિંહ વાઘેલાના ભગાડી મૂકવામાં સક્રિય ભૂમિકા ભજવનાર અને બે દિવસ પહેલાં સસ્પેન્ડ કરાયેલા સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ત્રણ કર્મચારીઓ જોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને લાલસિંહ મસાણી વિરૃધ્ધ તપાસનો ધમધમાટ શરૃ કરાયો છે. ત્યારે આજે સાણંદ પોલીસના કોન્સ્ટેબલ પોપટસિંહ વાઘેલા હવે આ ષડયંત્રમાં ઝડપાયો છે. પોલીસે તેની વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા રાજેન્દ્રસિંહનો ફોન ટેપ કરતાં તેની વાતચીતમાં સાણંદના કોન્સ્ટેબલ પોપટસિંહની મદદગારીનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.  પોપટસિંહે આરોપી રાજેન્દ્રસિંહને પોલીસની તમામ માહિતી અગાઉથી પૂરી પાડી દીધી હોવાની ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી. કોન્સ્ટેબલ પોપટસિંહ અને આરોપી રાજેન્દ્રસિંહ વચ્ચેની વાતચીતની ટ્રાન્સ્ક્રીપ્ટ આ મુજબ છે.

વાતચીત શું થઇ હતી....

અમદાવાદ,તા. ૨૯

રાજેન્દ્રસિંહ :વસ્ત્રાપુર અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે, તેમાં પકડવાના છે. તેની કોઇ પોલીસ સ્ટેશનમાં વર્ધી છે કે અમદાવાદથી પોલીસ પકડવા આવી છે?

પોપટસિંહ વોન્ટેડ આરોપીઓને પકડવાના છે.

રાજેન્દ્રસિંહ : હું વોન્ટેડ છું તેમાં ?

પોપટસિંહ : તમને કોઇ હાથ નહી લગાડે, તે તાકાત બહારની વાત છે. તમે આઘાપાછા થઇ જાઓ. અને આપણા બીજા માણસો વોન્ટેડ છે, તેને પણ આઘાપાછા કરી દેજો.

રાજેન્દ્રસિંહ : મારો ટાઇમ જતો નથી એટલે હું ઓફિસ જાઉ છું, હું ઓફિસમાં રહુ કે ગાડીમાં?

પોપટસિંહ : કોઇ વાંધો નહી, હું બેઠો છું. તમે ગાડીમાં રહેજો. આ લોકો તમને પકડવા મને આગળ કરશે આ વાત આપણા બંને વચ્ચે જ રાખજો.

 

(8:28 pm IST)