Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ડબલ સીઝનને કારણે લોકો કંટાળ્યાઃ શરદી, ખાંસી, તાવના કેસ વધ્યા

રાત્રે ઠંડી બપોરે ગરમી જેવી ડબલ સીઝનને કારણે લોકો બીમાર પડી રહ્યા છે

અમદાવાદ તા. ૨૯ : છેલ્લા થોડા દિવસથી ગુજરાતનું વાતાવરણ એટલુ વિચિત્ર થઈ ગયુ છે કે લોકોને ઠંડી પડે છે કે ગરમી તે જ સમજાતુ નથી. રાત્રે ઠંડી વધી જાય છે જયારે બપોરે ઉનાળા જેવી ગરમી પડવા માંડે છે. આવી ડબલ સીઝનને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. વિચિત્ર ઋતુને કારણે છેલ્લા એક અઠવાડિયામાં શરદી-ખાંસી, વાઈરલ તાવના કેસમાં ૨૦ ટકા સુધીનો વધારો થયો છે.

અમદાવાદની વાત કરીએ તો શહેરમાં અત્યારે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળે છે. જયારે બપોરે ગરમી પડે છે. આ કારણે શહેરમાં શરદી-ખાંસી, વાઈરલ ફીવર, ગળામાં દુઃખાવાના કેસ વધ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આવનારા કેટલાંક દિવસો સુધી આવી ડબલ સીઝન યથાવત રહેશે. આ સાથે જ બીમારીના કેસ વધવાની શકયતા વધશે.

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી લઘુત્ત્।મ તાપમાન ૧૦ ડીગ્રી અને મહત્ત્।મ ૩૨ ડીગ્રી જેટલુ રહે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયા સુધી સીઝન આવી જ રહેશે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો પારો ૧૧થી ૧૩ ડીગ્રી વચ્ચે રહેવાની શકયતા છે.

ડબલ સીઝનને કારણે કાન-ગળામાં દુઃખાવાના કેસ, સાયનસના કેસમાં વધારો થયો છે. હોળી સુધી આવી જ સીઝન રહે તેવી આગાહી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ દિવસની શરૂઆત ગરમ પાણીથી કરશો અત્યારે આ ડબલ સીઝનની માંદગીથી બચી શકશો.

ગુજરાતના અનેક શહેરોમાં અત્યારે લઘુત્તમ તાપમાન ૧૨ ડીગ્રી અને મહત્તમ ૩૦ ડીગ્રી જેટલો રહે છે. ૭ શહેરોમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડી વર્તાઈ રહી છે. ગઈકાલે રાત્રે ગાંધીનગર અને મહુઆમાં તાપમાન ૧૨ ડીગ્રીથી પણ નીચે જતુ રહ્યુ હતુ અને ૯.૫ ડીગ્રી જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. વલસાડમાં ૯.૬ ડીગ્રી, અમદાવાદમાં ૧૦.૧ ડીગ્રી, નલિયામાં ૧૦.૪. ડીગ્રી, ડીસામાં ૧૦.૯, દીવમાં ૧૧.૦ ડીગ્રી, રાજકોટમાં ૧૨.૩ ડીગ્રી અને વડોદરામાં ૧૨.૮ ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ.

(4:22 pm IST)