Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

વડોદરામાં ગજબનાક કિસ્સો : માસ્કના દંડનું ઈ-પેમેન્ટ કરતા રૂપિયા બુટલેગરના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા !

યુવકનું માસ્ક નાકથી નીચે હોવાથી પોલીસે એક હજારનો દંડ ફટકાર્યો : રોકડ નહીં હોવાથી ઇપેમેન્ટ કર્યું :પોલીસ દ્વારા વસુલાતની પાવતી અપાઈ :

વડોદરમાં એક યુવકે માસ્ક વ્યવસ્થિત નહી પહેરતા પોલીસે તેને 1 હજાર રુપિયાનો દંડ ફટકારયો હતો. તેની પાસે રોકડા ન હોવાથી તેને ઈપેમેન્ટથી પૈસા આપવા માટે પોલીસે જણાવ્યું હતું. પરતું પોલીસ ટ્રેઝરીમાં જે રૂપિયા જવા જોઈએ એ કોઇ પોલીસકર્મીના પ્રાઇવેટ એકાઉન્ટમાં નહીં પણ એક બુટલેગરના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા.

કારેલીબાગ ન્યૂ વીઆઇપી રોડ ઉપર રહેતો રાહુલ નવિનચંદ્ર પંડ્યા મેડિકલ રિપ્રેઝેન્ટીવ તરીકે ફરજ નિભાવે છે. શનિવારે સાંજે તે ફતેગંજ વિસ્તારમાં મિત્રો સાથે ચા પીવા ઉભો હતો એ દરમિયાન તેને આવેલા મોબાઇલ ફોન ઉપર વાતચીત કરવા જતા માસ્ક નાક ઉપરથી નીચે ઉતરી ગયુ હતુ. આ સમયેજ પોલીસે આવી તેનો ફોટો પાડી લીધો હતો. પોલીસે માસ્ક યોગ્ય રીતે નહી પહેરવા બદલ રૂ.1000ના દંડની રકમની માંગણી કરી હતી. યુવાને તેની પાસે રોકડા રૂ 1000 નહી હોવાની કેફિયત રજુ કરી હતી. આથી પોલીસે તેને સયાજીગંજ પોલીસ મથકે લઇ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે યુવક તે દંડની રકમ ભરવા તૈયાર છે. પરંતુ તેની પાસે રોકડા નહી હોવાથી અન્ય વિકલ્પ માટે વિનંતી કરી હતી. જે દરમિયાન ઇ-પેમેન્ટ કરવાનો વચલો રસ્તો નીકળ્યો હતો.

પોલીસ દ્વારા આપવામાં આવેલા નંબર ઉપર તેને રૂ.1000નું ઇ-પેમેન્ટ કર્યુ હતુ. પોલીસ દ્વારા તેને દંડની રકમની વસુલાતની પાવતી પણ આપવામાં આવી હતી. જોકે માસ્કના દંડની રકમની વસુલાત માટે તંત્ર તરફથી કોઇ ઇપેમેન્ટની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. તે ચર્ચા યુવાનોમાં એરણ રહ્યો હતો. જોકે પોલીસે દંડની રકમની વસુલાતમાં થતા તુતુ મૈ મૈની ઘટના ટાળવા માટે આ રસ્તો અપનાવ્યો હશે પણ તે કાયદેસર કે ગેરકાયદે તે અંગે પણ ચર્ચા ઉઠવા પામી હતી.

 તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સયાજીગંજ પોલીસ મથકમાં કોઈ ચૌહાણ અનવરભાઈ કાસમ નામનો પોલીસ કોન્સ્ટેબલ ફરજ બજાવતો જ નથી. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ નામનો એક લિસ્ટેડ બુટલેગર સયાજીગંજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલો છે. એક પોલીસ જવાને સરકારી સમાધાન શુલ્કની રકમ એક બુટલેગરના એકાઉન્ટમાં કેમ ટ્રાન્સફર કરાવી તે સવાલ ઉભો થાય છે. પોલીસ ક્યારેય ઓનલાઈન દંડ વસુલતી નથી. અહીં તો સયાજીગંજના પોલીસ જવાને પાવતી નંબર 42948 માટે ઓનલાઇન દંડ વસૂલીને તેની રકમ બુટલેગરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છે

(12:29 am IST)