Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કોરોના વેક્સિનેશન સંદર્ભે ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબોનું મહત્વનું માર્ગદર્શન

કોઈપણ પ્રકારની ગંભીર આડઅસર આ રસીને કારણે થયેલી હોય તેવો એકપણ કિસ્સો નથી. એટલે નાગરિકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી.

અમદાવાદ : કોરોના વેક્સિનેશન માટે ગુજરાત સંપૂર્ણ સજજ છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે વેક્સિનેશન માટે નિષ્ણાંત તબીબોની ટાસ્ક ફોર્સની રચના કરી છે. આજે ગાંધીનગરમાં આ ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબોએ રસીકરણને લઈને મીડિયાના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

 ડૉ.નવીન ઠાકર: વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા નિષ્ણાત ડો. નવીનભાઈ ઠાકરે આ રસીકરણથી આડઅસર થશે તેવી ગેરમાન્યતાઓ દૂર કરતા જણાવ્યું હતું કે, કોઈપણ રસીકરણ બાદ સામાન્ય તાવ, થોડી અશક્તિ જેવી સામાન્ય અસરો થતી જ હોય છે જે આ કોવિડ-૧૯ ની રસી બાદ પણ થઈ શકે છે. પરંતુ કોઈપણ પ્રકારની ગંભીર આડઅસર આ રસીને કારણે થયેલી હોય તેવો એકપણ કિસ્સો નથી. એટલે નાગરિકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી.

ડૉ.નિશ્ચલ ભટ્ટ:આ રસીની સલામતી અને અસરકારકતા ઉપર ભાર મૂકતા ડૉ.ભટ્ટે જણાવ્યું કે, આપણું શરીર કોરોના વાયરસને એન્ટીજન તરીકે ઓળખે અને તે પ્રમાણે વાયરસને રિસ્પોન્ડ કરી વાયરસને એક્ટિવ જ ના થવા દે તે પ્રકારની આ રસી છે. હાલ આ રસી ફેઝ ૩  માં છે. ખૂબ જ ક્લિનિકલ નિયમનોમાંથી આ રસી પસાર થઈ ચૂકી છે જે તમામ તબક્કે નાગરિકોની સલામતીને પ્રથમ અગ્રીમતા આપવામાં આવી છે. m-RNA પ્રકારની આ રસી હોવાથી વ્યક્તિના ડી.એન.એ.ને બદલી નાખશે તેવી બેબુનિયાદ વાતોમાં આવવું નહીં. આ લાઈવ વાયરસ વેક્સિન ન હોવાથી નાગરિકના ડીએનએને બદલી શકે નહિ.
આ રસી સંદર્ભે કોઈપણ પ્રકારની આડઅસર સંબંધિત અફવાઓ કે નકારાત્મક માહિતી આવે કે જેનાથી આ રસીકરણને લઈને નાગરિકોમાં ગેરસમજ ફેલાય તેવી માહિતી પ્રસિદ્ધ કે ટેલિકાસ્ટ કરતા પહેલા મીડિયાના મિત્રોને નિષ્ણાત તબીબો સાથે પરામર્શ કરી સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા પણ અનુરોધ કર્યો હતો.
ડૉ. સપન પંડ્યા:કેન્સર, કિડનીની બીમારી, ટીબી, સહિત ગંભીર રોગો એટલે કે કોમોર્બિડ દર્દીઓને પણ આ રસી આપવામાં આવશે. તેનાથી કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. આવા દર્દીઓને એન્ટી બોડી રિસ્પોન્સ સામાન્ય વ્યક્તિઓ કરતા સામાન્ય ઓછો આવે તેવું શક્ય છે પરંતુ તે પણ કોરોનાને ફાઇટ આપવા પૂરતું હશે.
ડૉ. ભદ્રેશ વ્યાસ:વિવિધ દેશોમાં મળીને ૩૫ લાખ જેટલા લોકોને રસી અત્યાર સુધીમાં અપાઇ ચૂકી છે, પરંતુ એક પણ કિસ્સો એવો નથી જોવા મળ્યો જેમાં આ રસીને કારણે કોઈ પણ ગંભીર આડ-અસર દેખાઈ હોય. એટલે અફવાઓ માં આવવું નહિ અને રસીથી આડઅસર થશે તેવી અફવાઓ ફેલાવવી નહિ. જે આપણા સૌના હિતમાં છે.

(9:38 pm IST)