Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ:બેફામ વ્યાજ વસુલતા બે વ્યાજખોર વિરુદ્ધ ગુનો દાખલ

સાબરકાંઠા:જિલ્લામાં કેટલાક શાહુકારો સરકારના નિતિ નિયમ મુજબ ધીરધારનો ધંધો કરે છે. જ્યા તેઓ પૈસા વ્યાજે લેવા આવનાર શખ્સ પાસેથી કેટલાક દસ્તાવેજી પુરાવાઓ લીધા બાદ માસિક વ્યાજ લે છે ત્યારે સાબરડેરી નજીક આવેલી હાજીપુર ગામે ગેરકાયદે વ્યાજખોરીનો ધંધો કરતા એક શખ્સે હિંમતનગરના અન્ય એક ઈસમને સાથે રાખી માસિકને બદલે દૈનિક વ્યાજ લઈને કેટલાક લોકોને વ્યાજે નાણા આપતા હતા જે અંતર્ગત ત્રણ વર્ષ અગાઉ હાજીપુરના જ એક શખ્સે આ બંને જણા પાસેથી રૂ.૧૦ લાખ આપીને તેમની પાસેથી દરરોજ રૂ.૨૦ હજાર વ્યાજ વસુલવામાં આવતુ હતું અને જો વ્યાજ આપવામાં મોડુ થાય તો પેનલ્ટી પણ લેવાતી હતી. જેથી કંટાળીને હાજીપુરના આ શખ્સે તા.૨૫ ડીસેમ્બરના રોજ હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

આ અંગે હાજીપુર ગામે રહેતા અને ખેતીનો ધંધો કરતા સંકેત હરેશભાઈ પટેલે વર્ષ ૨૦૧૭ માં ગામના જ હરસિધ્ધભાઈ કનુભાઈ તથા હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ ઈન્દ્રપાર્ક સોસાયટીમાં રહેતા દિશુભાઈ મનુભાઈ દેસાઈ પાસેથી રૂ.૧૦ લાખ વ્યાજે લીધા હતા. અને તેના પેટે દરરોજ રૂ. ૨૦ હજાર વ્યાજ લેવાનું ઠરાવ્યુ હતું. અને જો વ્યાજ આપવામાં મોડુ થાય તો આ વ્યાજખોરો પેનલ્ટી પણ વસુલતા હતા જે લેખે આ બંને જણાએ સંકેત પટેલ પાસેથી વ્યાજ પેટે રૂ. ૪૦ હજાર લેવાના થતા હતા જે અંગે ઉઘરાણી કરતા આ બંને જણાએ સંકેતને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરીયાદમાં આક્ષેપ કરાયો છે. તે ઉપરાંત મોબાઈલ ફોનથી ધમકી આપી સંકેતને દિશુભાઈ દેસાઈની ગાડીમાં બેસાડી હરસિધ્ધભાઈ પટેલના ફાર્મ પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાથી પરીવારજનોને ફોન કરી સંકેતને ગુમ કરી દેવાની ધમકી આપી પ્રથમ રૂ.૬૦ હજાર ત્યારબાદ રૂ.૨૫ હજાર અને ફરીથી રૂ.૭૦ હજાર મળી ૧.૫૫ લાખ ફોન પેના માધ્યમથી બળજબરી પૂર્વક કઢાવી લેવામાં આવ્યા હતા. તેમ છતા પઠાણી વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી અવારનવાર ધમકી અપાતી હતી. એટલુ જ નહી પણ આ બંને વ્યાજખોરોએ સંકેત પાસેથી કેટલાક કોરા ચેક અને તે પણ સહી સાથેના લઈ લીધા હતા. ત્યાર બાદ આ વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળેલા સંકેત પટેલે બંને જણા વિરૂધ્ધ શુક્રવારે હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. ઉલ્લેખનીય છે કે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં કેટલાક અધિકારીઓ અને નેતાઓના આશિર્વાદથી વ્યાજખોરો પોતાની મનમાની ચલાવીને જરૂરીયાત મંદ પાસેથી મનમાની રકમ વ્યાજ સહિત વસુલે છે. જોકે કેટલાક કિસ્સાઓમાં પોલીસ ફરીયાદ કરી હોવા છતા કોણ જાણે કેમ આવા વ્યાજખોરો સામે પોલીસ તંત્ર ધ્વારા તપાસ કરીને તેમને નાથવામાં આવતા નથી તેવા અણીયારા સવાલો આમપ્રજા પુછી રહી છે.

(5:24 pm IST)