Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ગુજરાતમાં યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા ૧૭૨૦ મુસાફરો -વ્યક્તિઓના RTPCR ટેસ્ટ થયા : -૧૧ વ્યક્તિઓ પોઝિટિવ

કોરોના વાયરસના નવા પ્રકાર-સ્ટ્રેનના લક્ષણોની તપાસણી માટે સેમ્પલની પુના-ગાંધીનગરમાં ચકાસણી-જીનોમ સ્ટડી કરાશે: 8થી 10 દિવસમાં પરિણામ જાણી શકાશે: મુખ્યમંત્રીના પુત્રી-જમાઈએ પણ પોતાના ટેસ્ટ-RTPCR ટેસ્ટ કરાવ્યાફોટો

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના યુકેથી આવેલા પુત્રી-જમાઈ પરિવારે પણ ભારત સરકારની સૂચિકા-નિર્દેશોનું પાલન કરતા પોતાના ટેસ્ટ-RTPCR ટેસ્ટ કરાવ્યા- ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે મુખ્યમંત્રીના પરિવારે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું
 કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતારૂપે ભારત સરકારે આ દેશોમાંથી ભારત આવતી તમામ હવાઇ ઉડાન ૨૩ ડિસેમ્બરથી રદ કરી છે.
  ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે આ દેશોમાંથી ૨૫ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનીટરીંગમાં રહેવું પડશે
 એટલું જ નહીં ૯મી ડિસેમ્બર થી ૨૩ડિસેમ્બરના સમય દરમિયાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ RTPCR ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાના રહેશે
 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારે પણ ભારત સરકારના આ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને આગવું ઉદાહરણ અન્ય નાગરિકોને પૂરું પાડ્યું છે
  મુખ્યમંત્રીના પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય   પણ આ સમય દરમિયાન યુકેથી ગુજરાત આવ્યા છે અને તેમણે ભારત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજબ પોતાનો RTPCR ટેસ્ટ કરાવ્યો છે.આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારત સરકારના દિશા નિર્દેશો મુજબ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે પણ યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા મુસાફરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
તદ્દનુસાર તારીખ ૨૫ નવેમ્બર થી ૮ ડિસેમ્બર દરમિયાન આવા ૫૭૨ મુસાફરો યુ.કે યુરોપથી રાજ્યમાં  આવેલા છે. તે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત ૯ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર દરમિયાન ૧૧૪૮ વ્યક્તિઓ આ દેશોથી  ગુજરાતમાં આવ્યા છે તેમના RTPCR ટેસ્ટમાં અમદાવાદ-૪, વડોદરા-૨, આણંદ-૨, ભરૂચ-૨ અને વલસાડ-૧ વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ વ્યક્તિઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે.

તાજેતરમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના લક્ષણો-ચિન્હો આ વ્યક્તિઓમાં છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ માટે તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે
 સામાન્યત આ સેમ્પલની તપાસ માટે ૮ થી ૧૦ દિવસનો સમયગાળો જતો હોય છે એટલે આગામી સપ્તાહમાં તેમના અંતિમ-ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ સારવાર-સુશ્રૃષાની આગળની વ્યવસ્થાઓ-તકેદારી રાજ્ય સરકાર લેશે.

(8:37 am IST)