Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ભરૂચના ઝગડીયાના ઉમલ્લા ગામની મહિલાઓએ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પોલીસ મથક પર હલ્લાબોલ કર્યો

સરપંચ અને ગ્રામજનોએ ગ્રામસભામાં ઠરાવ પસાર કરી ઉમલ્લા પોલીસ મથકે જઇ આવેદનપત્ર આપ્યું

ભરૂચના ઝગડીયા તાલુકામાં આવેલા ઉમલ્લા ગામની મહિલાઓએ રણચંડી બની દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પોલીસ મથક પર હલ્લાબોલ બોલાવતા સમગ્ર મુદ્દો ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો..

ઉમલ્લા ગામમાં ચાલી રહેલા દેશી દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ બાબતે ગામની વિધવા બહેનો સહીત ગામના સરપંચ અને ગ્રામજનોએ ગ્રામસભામાં ઠરાવ પસાર કરી ઉમલ્લા પોલીસ મથકે જઇ આવેદનપત્ર અાપ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઉમલ્લા ગામમા માથાભારે બુટલેગર વર્ચસ્વ ધરાવતા હોવાથી ખુલ્લેઆમ દારૂનો ગેરકાયદેસર વેપલો કરે છે અને એમનો વિરોધ કરતાં ગામની બેહનોને ધાક ધમકી અપાતી હોવાના બહેનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. મીડિયા સમક્ષ ઉમલ્લા ગામના સરપંચે નિવેદનમાં જણાવ્યું હતું કે ઉમલ્લા ગામમાં દારૂના અડ્ડાઓ બંધ થાય એ માટે ઉચ્ચ અધિકારીઓ સુધી રજુઆતો કરી છે. પણ કોઇ નિરાકરણ આવ્યું નથી. પોલીસની દારૂના અડ્ડાઓ ચલાવતા બુટલેગરો સાથે સાંઠગાંઠના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.

 ગ્રામજનોના પરિવારજનો નાની વયનાથી લઈ મોટી વયના યુવાનો દારૂના રવાડે ચડતા અનેક બહેનો વિધવા થતા દારૂના ચાલતા અડ્ડાઓ બંધ કરાવવા રાતના સમયે પોલીસ મથક પર પહોંચી જઇ બહેનો દ્વારા હલ્લાબોલ કરવામા આવ્યો હતો. પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કામ અર્થે બહાર હોવાથી પી એસ ઓ દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.

(1:17 am IST)