Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

એમએસ સ્કૂલના ટ્રસ્ટીઓ, સુપરવાઈઝરોની પૂછપરછ

આરોપીના વોટ્સએપ-ટેલિગ્રામ ડેટા રિકવર કરાશે : પેપર લીક કાંડમાં આરોપીઓની કોલ ડિટેઈલમાં શંકાસ્પદ નંબર મળ્યા : આગામી દિવસોમાં હજુ વધુ ધરપકડ કરાશે

અમદાવાદ, તા.૨૮ : રાજયમાં બિન સચિવાલયની પરીક્ષાના પેપરલીક કાંડ મામલે ગાંધીનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે આજે તમામ આરોપીઓને સાથે રાખી જ્યાંથી પેપરલીક થયું હતું એવી દાણીલીમડાની એમ.એસ.પબ્લીક સ્કૂલમાં તપાસ કરી હતી. પોલીસે આરોપી લખવિંદરસિંગની તેમજ અન્ય આરોપીઓની કોલ ડિટેઈલ્સ પણ કઢાવી છે, જેમાં અનેક લોકોના શંકાસ્પદ નંબર પોલીસને મળી આવ્યા છે. પોલીસે સ્કૂલના ટ્રસ્ટીઓ, પટ્ટાવાળા, ૧૧ સુપરવાઈઝર સહિતના લોકોના નિવેદન નોંધ્યા અને અત્યંત ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે. આ સમગ્ર કૌભાંડમાં આગામી દિવસોમાં તપાસનો ધમધમાટ વધુ તેજ બનશે અને આ કેસમાં હજુ વધુ ધરપકડો થવાની પૂરી સંભાવના પણ પોલીસે વ્યકત કરી હતી. આ સમગ્ર કૌભાંડમાં મોટા માથાઓના નામ ખુલવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. પોલીસની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી કે, આરોપી લખવિંદરસિંગ તેમજ અન્ય લોકોએ આ પેપર વોટ્સએપમાં ફરતા કર્યા હતા.

           જ્યારે યુવરાજસિંહ મોરી, ફેનિલ તેમજ મહાવીર નામના શખ્સોને પણ પેપર મોકલવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થતા પોલીસે તેઓની પણ શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી મુખ્ય સૂત્રધાર પ્રવીણદાન ગઢવીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેને પગલે પાટણના પંચાસરમાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. આરોપીઓના મોબાઈલમાં રહેલા વોટ્સએપ અને ટેલિગ્રામના ડેટા પણ રિકવર કરવામાં આવશે. જેમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે. આગામી દિવસોમાં હજુ વધુ ધરપકડો થવાની પૂરી સંભાવના છે.

(9:42 pm IST)