Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

સ્કોર્પીઓ ડમ્પરમાં ઘૂસી જતાં બે કર્મચારીના કરૂણ મોત થયા

નરોડા વિસ્તારમાં જીવલેણ અકસ્માતથી ચકચાર : નરોડા ટોલટેક્સની પાસે પરોઢિયે સર્જાયેલા અકસ્માતમાં સ્કોર્પીઓનઆ ભુક્કા બોલી ગયા : કારનો ડ્રાઇવર ફરાર

અમદાવાદ,તા. ૨૮ : દહેગામ રિંગ રોડ પરથી શહેરના નરોડા ગામ તરફ આવવાના રોડ પર મંગળવારે વહેલી પરોઢે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં સ્કોર્પીઓ કાર  એક ડમ્પરમાં પાછળથી ઘૂસી જતાં સ્કોર્પીઓમાં બેઠેલા મેટ્રો પ્રોજેકટના બે કર્મચારીઓના કરૂણ મોત નીપજયા હતા. અકસ્માતના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ફરાર ડ્રાઇવરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાવ-થરાદ વચ્ચેના ગામડામાં રહેતા ૨૦ વર્ષીય નવીન કરસનભાઇ બ્રાહ્મણ અને ભુરાજી પીરાજી રાજપૂત મેટ્રો રેલ પ્રોજેકટમાં વે બ્રીજમાં ફરજ બજાવે છે.

આ બંને કર્મચારી યુવકો રજા લઇને પોતાના વતનમાં કંપનીની સ્કોર્પીઓ કારમાં જઇ રહ્યા હતા ત્યારે દહેગામ રિંગ રોડ પરથી શહેરના નરોડા ગામ તરફ આવવાના રોડ પર મંગળવારે વહેલી પરોઢે સ્કોર્પીઓ કાર આગળ એક ડમ્પરમાં પૂરપાટ ઝડપે ઘૂસી ગઇ હતી. સ્કોર્પીઓ કારની સ્પીડ એટલી હદની હતી કે, સ્કોર્પીઓ કારનો ભુક્કો બોલી ગયો અને આ ગમખ્વાર અકસ્તામાં ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા યુવક અને પાછળની સીટમાં બેઠેલા બીજા યુવકનું મોત નીપજયું હતું. જો કે, આ ઘટનામાં મેટ્રો રેલ પ્રોજેકટના કર્મચારી ડ્રાઇવર અને સ્કોર્પીઓ કારના ચાલક હાર્દિક નામનો શખ્સ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. તેથી નરોડા પોલીસે તેની શોધખોળ આદરી છે. જો કે, આ અકસ્માતના બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. બે યુવકોના મોતના સમાચાર જાણી સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસે ડ્રાઇવર વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(8:34 pm IST)