Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ખોડલધામ કાર્યક્રમમાં ભવ્ય પદયાત્રામાં પાટીદાર જોડાયા

બે વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ૬૦ કિમીની યાત્રા : આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો હાજર રહેશે : જોરદાર તૈયારીઓ

અમદાવાદ,તા.૨૦ : ખોડલધામની બે વર્ષની પૂર્ણાહુતિ નિમિતે ખોડલધામ દ્વારા રાજકોટથી કાગવડ સુધીની ૬૦ કિમી લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે સવારે ૭-૩૦ કલાકે રાજકોટથી પદયાત્રીઓએ કાગવડ જવા પ્રસ્થાન કર્યું હતું. આવતીકાલે એટલે ૨૧મી જાન્યુઆરીએ આ પદયાત્રા ખોડલધામ પહોંચશે. આ પદયાત્રાની શરૂઆત પૂર્વે સવારે ૬-૩૦ કલાકે સરદાર ભવન ખાતે માંઁ ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી.

    આજે રાજકોટથી શરૂ થયેલ કાગવડ ખોડલધામ સુધીની ૬૦ કિલોમીટરની પદયાત્રામા ૬૦૦૦ થી વધુ પાટીદારો સહિતના લોકો જોડાયા હતા અને સાથે સાથે ૫૦૦ થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દિવસ હોવાથી કાગવડ ખાતે ઓલ ઇન્ડિયાના કન્વીનરો અને હોદેદારોનું સ્નેહ મિલન અને સ્ટેજ કાર્યક્રમ છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આજે વહેલી સવારે સરદાર પટેલ ભવન, રાજકોટથી ખોડલધામ મંદિર, કાગવડ સુધીની પદયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં. આ તકે ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ખોડલધામનાં દરેક ભાઇ બહેનને અભિનંદન પાઠવું છું અને આ યાત્રા સુખદાયી અને સફળ રહે તેવી માઁ ખોડલને પ્રાર્થના કરૃં છું. ઉલ્લેખનીય છે કે, પદયાત્રા સરદાર પટેલ ભવનથી શરૂ થઈ ૧૫૦ ફુટ રિંગ રોડ, ગોંડલ ચોકડી થઈ બપોરે ૧૧ વાગ્યાની આસપાસ આ પદયાત્રઆ શાપર ખાતે પહોંચી હતી, જયાં પદયાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પદયાત્રિકો ભોજન પ્રસાદ લીધા બાદ યાત્રા રીબડા થઈ સાંજે ૭ વાગ્યે ગોંડલ પહોંચ્યા હતા, જ્યાં પદયાત્રિકો માટે રાત્રી ભોજન અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્રામ લીધા બાદ પદયાત્રા ગોંડલથી રાત્રે ૧૧ વાગ્યે ખોડલધામ તરફ પ્રયાણ કરશે. વીરપુર ખાતે વહેલી સવારે ૪ વાગ્યે પદયાત્રા પહોચશે. જયાં ચા-પાણી અને નાસ્તા સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે. વીરપુરથી પદયાત્રા કાગવડનાં પાટીયે સવારે ૬ વાગ્યે પહોંચ્યા બાદ શ્રી ખોડલધામ મંદિર ખાતે મહાઆરતી બાદ પદયાત્રિકો યાત્રાને વિરામ અપાશે. આવતીકાલના કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપસ્થિત રહેવાના હોઇ આયોજન કરાયું છે.

(9:58 pm IST)